મોરબી: ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયન દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર મારફત તથા ટંકારા મામલતદાર મારફત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોના લાંબા સમયથી બાકી પગાર અને અન્ય પડતર માંગણીઓ બાબતે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આવેદનપત્રમાં મુખ્યત્વે ત્રણ થી ચાર માસથી બાકી રહેલા પગાર અને ઈન્સેન્ટિવને તાત્કાલિક ચૂકવવા, તેમજ તમામ ચૂકવણા દર મહિને 1 થી 10 તારીખ સુધીમાં નિયમિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.યુનિયનના સભ્ય રુક્ષ્મણીબેન રામજીભાઈ કોળાસરાએ જણાવ્યું હતું કે, સરકાર તરફથી મોબાઈલ પૂરા પાડવામાં આવ્યા નથી, છતાં અધિકારીઓ દ્વારા તેમની પાસે ઓનલાઈન કામગીરી કરાવવા માટે દબાણ કરવામાં આવે છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ કામ કરવા તૈયાર છે, પરંતુ પહેલા તેમને મોબાઈલ પૂરા પાડવા જોઈએ, ત્યારબાદ તેઓ રાત્રે 12 વાગ્યે પણ ઓનલાઈન કામગીરી કરવા તૈયાર છે. અન્ય મુખ્ય માંગણીઓમાં ઈન્સેન્ટિવ વગરની કામગીરી ન સોંપવા, ઈન્સેન્ટિવનું વેતન નક્કી કરવા અને ચાર વર્ષથી ભરેલા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMVVY) ના ફોર્મનું વળતર તાત્કાલિક ચૂકવવાનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે ઘણી કામગીરી માટે ઈન્સેન્ટિવ ન મળવા છતાં તેમને કામ કરવા દબાણ અને ધમકીઓ પણ આપવામાં આવે છે.