ગુજરાત ગેસના ભાવમાં વધારો થવા ઉપરાંત એક્સપોર્ટ ઠપ્પ થતા મોરબી સિરામિક કલસ્ટરમાં એકંદરે દૈનિક વપરાશ 15 લાખ ક્યુબીક મીટર ઘટયોમોરબી : મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે મોરબીનો સિરામિક ઉદ્યોગ આફતોમાં ઘેરાયો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર માસમાં પણ નેચરલ ગેસના ભાવમાં વધારો કરવામાં આવતા ઉદ્યોગકારોએ વપરાશમાં સસ્તો પડતો પ્રોપેન અપનાવ્યો છે જેને પગલે બે મહિનામાં જ ગુજરાત ગેસનો દૈનિક વપરાશ 85 લાખ ક્યુબીક મીટર પ્રતિદિનથી ઘટીને 10 લાખ ક્યુબીક મીટર થઈ ગયો છે. મંદીનો માર સહન કરી રહેલા મોરબીના સિરામિક ઉદ્યોગ પર એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે. અમેરિકા - ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં પહેલા ગેસની સપ્લાય ખોરવાઈ ગયા બાદ ગુજરાત ગેસની સપ્લાય ચાલુ થતા જુલાઈ મહિનામાં નેચરલ ગેસનો દૈનિક વપરાશ ઐતિહાસિક 85 લાખ ક્યુબિક મીટર પ્રતિદિનની સપાટી વટાવી ગયો હતો, જો કે, ઓગસ્ટમાં મોરબી સિરામિક ક્લસ્ટરમાં ગુજરાત ગેસ કંપનીએ અલગ અલગ ત્રણ ભાવ અમલી બનાવતા ઉદ્યોગકારો પ્રોપેન તરફ વળતા ઓગસ્ટમાં નેચરલ ગેસનો દૈનિક વપરાશ ઘટીને 30થી 35 લાખ કયુબીક મીટર સીમિત થયો હતો.બાદમાં સપ્ટેમ્બરમાં ગુજરાત ગેસ કંપનીના નેચરલ ગેસના ભાવમાં ઉછાળો આવતા નેચરલ ગેસ 100 રૂપિયા સુધી પહોંચી જતા ઉદ્યોગકારોએ નેચરલ ગેસ લેવાનું ટાળી દેતા હાલમાં નેચરલ ગેસની દૈનિક ખપત માત્ર 10 લાખ ક્યુબિક મીટર થઈ ગઈ છે.બીજી તરફ, ઉંચા ભાવ છતાં પ્રોપેન ગેસ નેચરલ ગેસની તુલનાએ 20 રૂપિયા જેટલો સસ્તો પડતો હોવાથી મોરબીના સિરામિક ઉદ્યોગકારો પ્રોપેન તરફ આકર્ષાયા છે.જેના કારણે પ્રોપેનનો દૈનિક વપરાશ વધીને હાલમાં 60 લાખ ક્યુબિક મીટર પ્રતિદિન સુધી પહોંચી ગયો છે. આમ છતાં, વૈશ્વિક પરિબળોને કારણે નિકાસ ઘટવા ઉપરાંત નેચરલ અને પ્રોપેનના ભાવમાં વધારો થતાં મોરબી સિરામિક ઉદ્યોગમાં દૈનિક ઉત્પાદનમાં મોટો ઘટાડો આવ્યો હોવાનું ગેસના વપરાશ પરથી કુલ વપરાશ પરથી સ્પષ્ટ બન્યું છે.રેડ સી અને હોર્મુઝમાં તણાવને પગલે નૂરભાડા વધતા એક્સપોર્ટમાં ઘટાડોમિડલ ઇસ્ટમાં તણાવની સાથે જ લાલ સમુદ્ર એટલે કે, રેડ સીમાં જોખમી સફરને કારણે અશાંતિ અને તણાવની સ્થિતિમાં શિપિંગ ભાડામાં પાંચથી દસ ગણો વધારો થયો છેમ ભારેખમ નૂરભાડાના લીધે વિદેશી ખરીદદારો મોંઘા ઓર્ડર ટાળી રહ્યા છે, જેથી એક્સપોર્ટને મોટો ફટકો પડ્યો છે. ઉદ્યોગો ચાલુ રાખવા અને રોટેશન જાળવવા માટે ઉદ્યોગકારો નાછૂટકે ડોમેસ્ટિક માર્કેટમાં નીચા ભાવે માલ વેચવા મજબૂર બન્યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં શટડાઉન માટેની ચર્ચાઓ શરૂમોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા બે મહિનામાં સતત ગેસના ભાવ વધારાની સાથે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ઓર્ડર સીમિત થવા લાગતા માલનો ભરાવો થવો સ્વાભાવિક બન્યું છે. જેને પગલે હવે સિરામિક ઉદ્યોગનું અસ્તિત્વ ટકાવવા માટે અગાઉની જેમ સ્વૈચ્છિક શટડાઉન કરવા અંગે ઉદ્યોગકારોમાં ગંભીર આંતરિક ચર્ચાઓ શરૂ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.