10થી વધુ પક્ષીની જીવનની ડોર કપાય મોરબી : મોરબીમાં ઉતરાયણ નિમિતે લોકોની પતંગ ચગાવવાની મજા પક્ષીઓ માટે મોતની સજા રૂપ સાબિત થઈ હતી. જેમાં પતંગની કાતિલ દોરીથી કુલ 86 જેટલા પક્ષીઓ ઘાયલ થયા હોય એમાંથી 10 જેટલા પક્ષીઓની જીવનની ડોર કપાય હતી. જ્યારે 10 લોકો પણ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં ઉતરાયણ નિમિત્તે આખું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. જેથી પતંગની કાતિલ દોરીથી ગગન વિહાર કરતા પક્ષીઓ ઘાયલ થયા હતા. દર વખતની જેમ રાજ્ય સરકાર દ્વારા કરુણા હેલ્પલાઇન 1962 અને વન વિભાગ, કર્તવ્ય જીવદયા સંસ્થા દ્વારા ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેની પાસેથી મળતા આંકડા મુજબ કાતિલ દોરીથી 85 કબૂતરો અને એક બંગલો ઘાયલ થયા હતા. આ 85 જેટલા ઘાયલ કબુતરોમાંથી 10 કબુતરોના મોત થયા હતા અને અમુક સારવારમાં સાજા થઈ જતા તેવા પક્ષીઓને મુક્ત ગગનમાં વિહરતા કરી દેવામાં આવ્યા છે. જ્યારે ઉતરાયણ નિમિતે કાતિલ દોરીથી ગળામાં ઇજા, હાથના આંગણામાં ઇજા, ઝાડ ઉપરથી પતંગ ઉડાડતી વખતે પડી ગયા હોય એવા દસેક લોકોને ઇજા થઇ હોવાથી આ તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.