કોરોના સંક્રમણને ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટના આદેશથી કેદીઓને જામીન પર છોડાયા મોરબી : મોરબીમાં કોરોનાની સાથે હવે વાવઝોડાની આફત પણ આવી પડી છે. ત્યારે કોરોના ઇફેક્ટને ધ્યાને લઈને સુપ્રીમ કોર્ટના આદેશને પગલે મોરબી સબજેલમાં સજા ભોગવતા 10 કેદીને 90 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. આ કેદીઓને જેલ સ્ટાફ દ્વારા સરકારી અને પ્રાઇવેટ વાહન મારફતે સલામત રૂટ તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોરબી સબ જેલ ખાતેથી સાત વર્ષથી ઓછી સજા ભોગવતા કાચા કામના 5 અને પાકા કામના 5 મળી કુલ 10 બંદીવાનોને 90 દિવસ માટે વચગળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. મોરબી જેલના અધિકારીના જાણવ્યા મુજબ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જેલોમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. જેના આદેશ મુજબ મોરબી સબજેલમાં સાત વર્ષથી ઓછી સજા ભોગવતા 10 બંધીવાનોને 90 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. તેમજ હાલમા વાવાઝોડા અને લોકડાઉનની પરિસ્થિંતિને ધ્યાને લઇને જેલના સરકારી વાહન તેમજ સ્ટાફના પ્રાઈવેટ વાહન દ્વારા કેદીઓને તેઓના ઘર સુધી પહોચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.