લોકડાઉન દરમિયાન સેલિબ્રેશન કરનારાઓને ચેતવતો કિસ્સો : રોડ પર બર્થ ડે કેક કાપી ફોટો સોશિયલ મીડિયામાં મુકવા ભારે પડ્યા મોરબી : મોરબીમાં લોકડાઉન વચ્ચે જાહેરમાં બર્થ ડે પાર્ટી યોજાઈ હોવાની ઘટના સામે આવી છે. આ પાર્ટીના ફોટા સોશિયલ મીડિયામાં મુકવામાં આવતા પોલીસને પાર્ટી વિશે માલુમ પડ્યું હતું અને તુરંત જ પાર્ટીમાં હાજર 12 શખ્સોની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના બોરીયાવાસમાં રહેતા અલ્તાફ ઉર્ફે અલું અકબરભાઈ ફકીર નામના શખ્સનો બર્થ ડે હોય તા. 7 એપ્રિલના રોજ જાહેરમાં બર્થ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જો કે ત્યારે તો આ તમામ લોકો પોલીસની નજરથી બચી ગયા હતા. પરંતુ આ સેલિબ્રેશનના ફોટો તેઓએ સોશિયલ મીડિયામાં મુક્યા હોય જે પોલીસને ધ્યાને આવી ગયા હતા. આ ફોટાને આધારે એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટ તથા બોરીયાવાસના 12 શખ્સોની ધરપકડ કરીને તેઓની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હાલ લોકડાઉન છે. ત્યારે કામ વગર બહાર નિકળવા ઉપર પણ પ્રતિબંધ છે. આવા સમયે લોકડાઉનનો ભંગ કરનારા સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. જો કે ઘણા લોકો છાનીછુંપી રીતે લોકડાઉનનો ભંગ કરે છે. ત્યારે તેઓ માટે પોલીસે એક દાખલો બેસાડ્યો છે. હાલ પોલીસની ખાસ ટેકનીકલ ટિમ સોશિયલ મીડિયા અને શહેરના સીસીટીવી કેમેરા ઉપર બાજ નજર રાખી રહી છે.