રેમડીસીવરના વિતરણમાં હોબાળા બાદ હોમ આઈસોલેશનના દર્દીઓને વિતરણ બંધ કરીને આજે ફરી તંત્રએ કાળાબજાર અટકાવવા વ્યવસ્થા ગોઠવી મોરબી : મોરબીમાં રેમડીસીવરની છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી રામાયણ બાદ હવે કાળાબજાર અટકવવા માટે તંત્ર હવે મેદાને આવ્યું છે. જેમાં ગઈકાલે રેમડીસીવરનું હોમ આઈસોલેશનના દર્દીઓને વિતરણ બંધ કરી દેતા હોબાળો થયા બાદ આજે ફરીથી મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેમડીસીવરની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અગાઉ તંત્ર હોસ્પિટલોની ડિમાન્ડ મુજબ રેમડીસીવર ફાળવી દેતું હતું. પણ હવે કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓનું વેરિફિકેશન કરીને તંત્ર રેમડીસીવર પહોંચાડશે. આ માટે તંત્રના ઇમેઇલ પર દર્દીઓને જરૂરી આધાર-પુરાવા સાથેની વિગતો મોકલવાની રહેશે. જેની ખરાઈ કરીને તંત્ર રેમડીસિવરનું વિતરણ કરશે. મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા રેમડેસિવિર ઇજેકશન માટેની વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં કોરોના દર્દીઓની સારવાર કરતી કોઇપણ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ, કોવીડ હેલ્થકેર સેન્ટરે જિલ્લા વહીવટી કચેરી દ્વારા આપવામાં આવેલ ઇ-મેલ આઇડી summorbi.covid19@gmail.com પર સાંજના ૦૯:૦૦ વાગ્યાથી સવારના ૯:૦૦ વાગ્યા સુધીમાં હોસ્પીટલમાં ઓક્સીજન બેડમાં સારવાર લઇ રહેલ દર્દીઓની વિગતો સાથેનું INDENT FORM તથા દરેક દર્દીના આધાર કાર્ડ અને દર્દીનો કોરોના પોઝીટીવ હોવા અંગેનો રીપોર્ટ સ્કેન કરી અપલોડ કરવાનો રહેશે. કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ INDENT FORM મુજબની જરૂરીયાત ધ્યાને લઇ તથા મેઇલમાં અપલોડ કરેલ ડોકયુમેન્ટ વેરીફાઇ, દરેક કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલનો સ્ટાફ કોરોના મહામારીની કામગીરીમાં વ્યસ્ત હોઇ તથા સેવા બજાવી રહેલ હોઇ તે ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્રની મહેસૂલી બે નાયબ મામલતદાર સહિતની કર્મચારીઓની ટીમો બનાવી દરેક કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ કે કોવીડ હેલ્થ કેર સેન્ટરને રૂબરૂ જઇ રેમડેસિવિર ઇજેક્શનનો જથ્થો પૂરો પાડવામાં આવશે. ઓરીજીનલ ડોક્યુમેન્ટ પણ અત્રેનો સ્ટાફ રૂબરૂ જઇ મેળવી લેશે. આ કામગીરી માટે દરેક કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ કે કોવીડ હેલ્થ કેર સેન્ટર દ્વારા ઇ-મેઇલ પર મોકલવામાં આવેલ ડોકયુમેન્ટ સત્વરે વેરીફાઇ થઇ અને રેમડેસિવિર ઇજેક્શન સમયસર ફાળવણી કરી શકાય તે માટે ૨ નાયબ મામલતદારોની ખાસ વેરીફીકેશન ટીમો બનાવેલ છે તથા કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ કે કોવીડ હેલ્થ કેર સેન્ટર સુધી રેમડેસિવિર ઇજેક્શનનો જથ્થો પહોંચાડવા માટે કૂલ અલગ અલગ ૭ ટીમોની રચના કરવામાં આવેલ છે જે પૈકી ૫ ટીમો મોરબી શહેર તથા મોરબી તાલુકા માટે, ૧ ટીમ વાંકાનેર શહેર તથા તાલુકા માટે તથા ૧ ટીમની હળવદ તાલુકા તથા શહેર માટે રચના કરવામાં આવેલ છે.