તા.12 થી 18 સપ્ટેમ્બર સુધી શનાળા ચોકડી ખાતે આવેલ પટેલ સમાજ વાડીમાં રમેશભાઈ ઓઝા કથા શ્રવણ કરાવશે કોરોના મૃતકોના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા આયોજિત કથાની તૈયારીએ આપતો આખરી ઓપ : દરરોજ કથા બાદ દરરોજ મોટિવેશન સ્પીકરની સ્પીચ, લોકડાયરો, ભજન અને ભોજનના કાર્યક્રમો યોજાશે મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા કારોનામાં મૃત્યુ પામેલા દિવગતોના મોક્ષાર્થે જાણીતા કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભવ્ય ભાગવત કથાનું તા.12 થી 18 સપ્ટેમ્બર સુધી શનાળા ચોકડી ખાતે આવેલ પટેલ સમાજ વાડીમાં આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરી તમામ જ્ઞાતિના કોરોના દિવંગતોની સ્મૃતિમાં આ ભાગવત કથા યોજનાર હોવાથી વધુને વધુ લોકો લાભ લે તે માટે કથા સ્થળે 40 હજારથી વધુ લોકો બેસી શકે તેવો ભવ્ય સામીયાણો તૈયાર કરવામાં આવ્યો છે અને કથાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય અમૃતિયા આયોજીત ભાઈશ્રીની ભાગવત કથાને વડાપ્રધાન મોદી દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો છે. આ કથાની તૈયારી અને આયોજન વિશે માહિતી આપતા કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કોરોનો સમય ઘણો જ ગંભીર હતો. મૃત્યુ પામેલા પોતાના સ્વજનોની તેમના પરિવારજનોને અંતિમ વિધિ કરવા પણ મળી ન હતી. આથી મને વિચાર આવ્યો કે આ તમામ જ્ઞાતિના જે કોરોનામાં મૃત્યુ પામેલા દિવગતોના મોક્ષાર્થે ભાગવત કથા બેસાડવામાં આવે અને એ પણ પૂજ્ય ભાઈશ્રના મુખે ભાગવત કથા યોજાઈ અને આપણે સૌ મળીને કોરોના મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીશું. તેઓ કોરોના મૃત્યુ પામેલા લોકોના પરિવારને મળીને આ અંગે અપીલ કરતા 50 થી વધુ દિવગતોના ફોટા આવી ગયા છે. આ ફોટા ઉપરાંત મોરબી માટે યોગદાન આપનાર ઓ.આર.પટેલ જેવા ભામાશાની અલગ ગલેરી રાખીને તેમના પરિવારજનો બોલાવી શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાંતિલાલના પુત્ર પ્રથમભાઈએ આ કથા વિશે વિશેષમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રમેશભાઈની કથા તા.12ના રોજ શરૂ થશે. એ પહેલાં તા.11ના રોજ ઉમા ટાઉનશિપ ખાતેથી ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવશે. જેનું ઠેરઠેર દરેક સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે. ભાઈશ્રીની કથાનો સમય દરરોજ સવારે 9-30થી બપોરે 1 વાગ્યા સુધીનો રહેશે ત્યારપછી બીજા મોટિવેશન સ્પીચ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.12ની રાત્રે હરીદર્શન સ્વામીની મોટિવેશન સ્પીચ સાંભળવા મળશે. ઉપરાંત તા.14ના રોજ રાત્રે યોગેશ ગઢવી, માયાભાઈ આહીર સહિતના કલાકારોનો લોકડાયરો, તા.16ના રોજ જ્ઞાનોસ્તવ સ્વામીની મોટિવેશન સ્પીચ, તા.17ના રોજ રાત્રે બ્રિજરાજ ગઢવી, પૂનમબેન ગોંડલીયા, સાંકળદાન ગઢવી સહિતના કલાકારોનો લોકડાયરો યોજાશે. કથા હોય એટલે ભજન અને ભોજન તો હોય જ. આથી દદરોજ કથા પુરી થાય ત્યારબાદ ભાવિકો માટે જેમાં સ્ત્રી અને પુરૂષો માટે મહાપ્રસાદની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો મોટો સંખ્યામાં આવવાના હોય ઉપરાંત કેન્દ્ર અને રાજ્યકક્ષાના નેતાઓ તેમજ ઉધોગપતિઓ અને વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના હોવાથી ભવ્ય ડોમ અને સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. એકંદરે કથાના આયોજનમાં ક્યાંય કચાશ ન રહી જાય એ માટેની તમામ તકેદારી રાખીને તૈયારીઓ કરવામાં આવી છે.