પાણીની મેઈન લાઈન માત્ર 4 ઇંચ જેટલી જ હોવાથી પૂરતું પાણી મળતું નથી, પાલિકા મોટી લાઈન નહિ નાખી આપે તો જાતે સ્વખર્ચે લાઈન નાખવાની સ્થાનિકોની ચીમકીમોરબી : મોરબીના આલાપ રોડ ઉપર આવેલ નંદનવન સોસાયટીમાં પીવાના પાણીના પ્રશ્ને 200 જેટલા પરિવારો પરેશાન થઈ ગયા છે. આ મામલે સ્થાનિકોએ આજે ચીફ ઓફિસરને રજુઆત કરી પાણીની મોટી લાઈન નાખવાની માંગ ઉઠાવી છે. સ્થાનિકોએ ચીફ ઓફિસરને રજુઆતમાં જણાવ્યું હતું કે શહેરના આલાપ રોડ પર આવેલ નંદનવન સોસાયટીના 10 જેટલા એપાર્ટમેન્ટ આવેલ છે. જેમાં અમૂલ્ય હાઇટ્સ, ઓપેરા હાઇટ્સ, શુકન હાઇટ્સ, પાવીત્રમ હાઇટ્સ, દેવ પેલેસ, દેવ આશિષ , સ્કાય લેન્ડ - એ અને બી , સ્કાય લાઇટ હાઇટ્સ, કલાતીર્થ હાઇટ્સનો સમાવેશ થાય છે. અહીં 200 જેટલા પરિવારો રહે છે. અહીં છેલ્લા 6 માસથી પાણીની સમસ્યા છે.પાણીની સમસ્યાનું મુખ્ય કારણ પાણીની નાની પાઈપલાઈન છે. હાલમાં જે પાણીની પાઈપલાઈન છે તે ચાર ઈંચની છે. તેના બદલે, જો 6 ઈંચની કે તેનાથી મોટી પાઈપ લાઈન કરી આપવામાં આવે તો બધા એપાર્ટમેન્ટને સરખું પાણી મળી રહે અને પાણીની તંગીથી છુટકારો મળી શકે. હાલના સમયમાં મોટર-પંપથી પાણી ખેંચીને પણ પૂરતું પાણી મળતું નથી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ચીફ ઓફિસરે કહ્યું છે કે અરજી કરી દયો, જેટલું બને તેટલું ઝડપથી પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરી આપીશું. સ્થાનિકોના જણાવ્યા મુજબ જો અમને પાણી નહિ મળે તો અમે અમારા ખર્ચે લાઇન નાખી આગળની કાર્યવાહી હાથ ધરીશુ.