કડક અધિકારીની છાપ ધરાવતા જે.એસ.વાઢેર જિયોલોજિસ્ટ તરીકે મુકાતા ખનીજચોરોમાં ફફડાટ મોરબી : ખનીજ સંપદાથી ભરપૂર મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ રાજકોટથી કડક અધિકારી એવા જે.એસ.વાઢેરને જિયોલોજિસ્ટ તરીકે મુકવામાં આવતા ખનીજચોરી કરતા તત્વોમાં ફફડાટ મચી ગયો છે અને હાલતુર્ત થોભો અને રાહ જુઓ નીતિ વચ્ચે ખનીજચોરી આંશિક રીતે બંધ થઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં રેતી, લાઇમ સ્ટોન, ચાઈના ક્લે અને પથ્થરોનો ખજાનો હોવાથી મોરબી જિલ્લો બન્યો ત્યાર પહેલાથી જ અહીં વ્યાપક પ્રમાણમાં ખનીજચોરીનો ધિકતોધંધો ચાલી રહ્યો છે તેવામાં લાંબા સમયથી મોરબીમાં કાયમી ભૂસ્તર શાસ્ત્રીની નિમણુંક થઈ ન હોય ખનીજચોરોને મોકલું મેદાન મળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે હાલમાં સરકાર દ્વારા મોરબી જિલ્લામાં જીઓલોજીસ્ટ તરીકે કડક અધિકારીની છાપ ધરાવતા જે.એસ.વાઢેરની નિમણુંક કરવામાં આવતા ખનીજચોરી કરતા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.