ચીફ ઓફીસરની તાજેતરમાં હળવદ ખાતે બદલી કરી હોય ખાલી જગ્યા પર શહેરની તમામ સમસ્યાના ઉકેલ માટે નિષ્ઠાવાન અને કાર્યદક્ષ અધિકારી નિમણૂક કરવાની માંગ મોરબી : ગુજરાત રાજ્યની એ ગ્રેડની મોરબી નગરપાલીકાના ચીફ ઓફીસરની તાજેતરમાં હળવદ ખાતે બદલી કરવામાં આવેલ છે. જેથી એ ગ્રેડની મોરબી નગરપાલીકા ચીફઓફીસર વિહોણી બની છે. મોરબી શહેરની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે હાઈ કેડરના ચીફ ઓફીસરની તાત્કાલીક ધોરણે નિમણુંક કરવાની માગ સાથે જાગૃત નાગરિક નિર્મિત કક્કડ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે અને એ ગ્રેડની પાલિકામાં હાઈકેડરનાં ચીફ ઓફીસરની નિમણુંક થાય તો શહેરનો મહાનગરની જેમ વિકાસ થવાની આશા વ્યક્ત કરી છે. રજુઆતમાં જણાવ્યા મુજબ વર્ષ -૨૦૧૩માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા મોરબીને જીલ્લો જાહેર કરવામાં આવેલ છે પરંતુ ૯-૯ વર્ષ વિતવા છતાં પણ આજ દીન સુધી મોરબી શહેરની પ્રજા પ્રાથમિક સુવિધાઓ માટે ઝંખી રહી છે. શહેરના વિવિધ પોશ તેમજ દુર્ગમ વિસ્તારો ઉબળ-ખાબળ રોડ રસ્તા, પીવાના પાણીની સમસ્યા, જાહેર શૌચાલયોની સમસ્યા, વરસાદી પાણીના નિકાલની સમસ્યા, સફાઈ તેમજ ગટર ઉભરાવવાની સમસ્યા, સ્ટ્રીટ લાઈટની સમસ્યા સહીતની વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલ છે. મોરબી જીલ્લો બન્યા બાદ આજ દીન સુધી શહેરમાં એક પણ ફરવાલાયક સ્થળ પણ ઉપલબ્ધ નથી. જે ખરેખર સંવેદનશીલ સરકાર માટે કલંક સમાન ગણી શકાય. ગત નગરપાલીકાની ચુંટણીમાં મોરબીની પ્રજાએ મોરબી નગરપાલીકાનાં કુલ ૧૩ વોર્ડની તમામ ૫૨ બેઠકો ભાજપને અપાવી હતી. પરંતુ પાલીકા તંત્ર પ્રજાના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં ઉણું ઉતર્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. માત્ર એટલુ જ નહીં જીલ્લા ભાજપ કાર્યાલય પાસે પણ ગટર ઉભરાવવાના અહેવાલો વારંવાર મિડીયામાં પ્રસિધ્ધ થઈ રહ્યા છે. ત્યારે એક સમયે સૌરાષ્ટ્રના પેરિસ તરીકેની ઓળખ ધરાવતુ મોરબી શહેર આજે પ્રાથમિક સમસ્યાઓથી ઘેરાયેલ છે. આ દરેક સમસ્યાઓના નિરાકરણ માટે નગરપાલીકામાં ઉચ્ચ લાયકાત તેમજ અનુભવ ધરાવતા ચીફ ઓફીસર હોવા આવશ્યક છે, માટે સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિક ક્ષેત્રે ભારત દેશનો ડંકો વગાડનાર મોરબી શહેરની સમસ્યાઓના નિરાકરણ તેમજ પ્રજાની સુખાકારી માટે હાઈકેડર ના ચીફ ઓફીસરની તાત્કાલીક નિમણુંક કરવા યોગ્ય આદેશ આપવાની માંગ કરી છે.