મોરબી: મકરસંક્રાંતિ (ઉત્તરાયણ)ના તહેવારને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકાએ શહેરના નાગરિકો અને વેપારીઓ માટે એક મહત્વની જાહેરાત કરી છે. પતંગ, દોરા અને અન્ય તહેવારી વસ્તુઓના ખરીદી-વેચાણને સરળ બનાવવા માટે, મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત સ્થળોએ સ્ટોલ મૂકવાની મંજૂરી આપવામાં આવશે.વેપારીઓએ સ્ટોલ માટે મંજૂરી મેળવવા માટે ધોરણસરની કાર્યવાહી કરવાની રહેશે. જેમાં મહાનગરપાલિકાની કચેરીમાં લેખિતમાં અરજી કરવાની રહેશે. અરજીઓ સ્વીકારવાની છેલ્લી તારીખ 10/01/2026 છે. અરજી સાથે ઓળખપત્ર (આધાર કાર્ડ, પાન કાર્ડ, વગેરે), વ્યવસાય સંબંધિત જરૂરી લાઇસન્સ (જો લાગુ હોય તો), અને સ્ટોલ લગાવવાની ચોક્કસ જગ્યાની વિગતો જોડવી ફરજિયાત છે. મંજૂર થયેલી અરજીઓ માટે નક્કી કરેલ ફી ભરીને વેપારીઓએ રસીદ મેળવવાની રહેશે અને મંજૂરીની નકલ જાહેરમાં પ્રદર્શિત કરવાની રહેશે.નાયબ કમિશનર દ્વારા વેપારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે મહાનગરપાલિકાની મંજૂરી વિના કોઈપણ વ્યક્તિ દ્વારા વેપાર કરવો તે દંડનીય ગુનો ગણાશે. આ ઉપરાંત આરોગ્ય અને સાફસફાઈની શરતોનું પાલન કરવું અનિવાર્ય છે. તેમજ જાહેર માર્ગો પર ટ્રાફિક અવરોધ ઊભો કરનારની મંજૂરી તાત્કાલિક રદ કરવામાં આવશે. અરજી ચકાસણી અને સ્થળની યોગ્ય તપાસ બાદ જ મહાનગરપાલિકા દ્વારા સ્ટોલની મંજૂરી આપવામાં આવશે. આ અંગેના તમામ હક્ક મહાનગરપાલિકાને અબાધિત રહેશે.