વાંકાનેરઃ વાંકાનેરમાં કંસારા જ્ઞાતિને ઓ.બી.સી.માં સમાવવાની વર્ષો જુની માંગણી મુદ્દે આજરોજ જ્ઞાતિ આગેવાનો દ્વારા વાંકાનેર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, કંસારા જ્ઞાતિની ગુજરાત રાજયમાં ફકત પંચાવન હજાર આસપાસ જનસંખ્યા છે. જે ગુજરાતના જુદા જુદા શહેરો તથા ગામાડાંઓમાં રહે છે. આ જનસંખ્યામાંથી પ૦ ટકા વસ્તી હાથ ઘડતરના ત્રાંબા,પીતળ, કાંસાના વાસણો બનાવનાર કારીગર વર્ગ છે. ૩૦ ટકા વસ્તી નાની-મોટી મજૂરી અને ફેરી સાથે સંકળાયેલા છે. ૧૦ ટકા વાસણના વેપાર સાથે સંકળાયેલા છે. ૪ ટકા વસ્તી નાની-મોટી નોકરીમાં, અડધો ટકા વસ્તી ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. આમ કંસારા જ્ઞાતિનો મોટા ભાગનો વર્ગ કારીગર-મજૂર વર્ગ છે. હાલના સમયમાં સ્ટેનલેસ સ્ટીલના વાસણોનો વપરાશ વધવાના કારણે કંસારા કારીગરોનો ત્રાંબા, પીતળ, કાંસાનો ગૃહ ઉદ્યોગ બિલકુલ પડી ભાંગ્યો છે. કારીગરો પાસે અન્ય ધાતુના વેપારમાં પ્રવેશવા માટેના મૂડી રૂપી સાધનો પણ નથી. કંસારા જ્ઞાતિનો ઓબીસીમાં સમાવેશ થાય તે માટે છેલ્લા ર૦ વર્ષથી સરકારમાં રજૂઆત થયેલ છે પરંતુ આજસુધી સરકાર તરફથી કોઇ નિરાકરણ આવ્યું નથી. અન્ય રાજયોમાં તામ્રકર, ઠઠેરા વગેરે નામથી ઓળખાતી કંસારા જ્ઞાતિનો સમાવેશ ઓબીસીમાં કરવામાં આવેલ છે. આ હકીકતને ધ્યાને અપાવવા માટે વાંકાનેરના કંસારા જ્ઞાતિના આગેવાનો તથા જ્ઞાતિના અન્ય ભાઇઓ અને બહેનો દ્વારા વાંકાનેરના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.