વરસાદી પાણી નિકાલ, ભુગર્ભ ગટર અને રોડ બાબતની રજુઆતને ધ્યાને લઇ તાકીદે કામગીરી કરવાની ચીફ ઓફીસરે ખાતરી આપી મોરબી : ગઈકાલે તા. 29ના રોજ મોરબી નગરપાલિકા દ્વારા વોર્ડ નં. 10ના અવની ચોકડી પાસે સવારે 9:30 થી 11 કલાક સુધી લોક દરબારનું આયોજન કરેલ હતું. જેમાં અવની રોડના તેમજ આસપાસની સોસાયટીના લોકો વતી બળદેવભાઈ સરસાવાડિયા દ્વારા વરસાદી પાણી ભરાઇ જવાની, ભુગર્ભ ગટર બ્લોક થઇ જવાની તેમજ રોડ બનાવવાની રજુઆત કરવામાં આવેલ છે. જેના અનુસંધાને મોરબી નગરપાલિકાના ચીફ ઓફીસર ગીરીશભાઇ સરૈયાએ રજુઆતને ધ્યાને લઇ ઝડપથી કામગીરી પુર્ણ કરવાની ખાત્રી આપી છે. આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે મોરબી શહેરના કેનાલ રોડની અવની ચોકડીના મુખ્ય માર્ગ આસપાસ મયુર પાર્ક, અવની પાર્ક, અમૃત વાટીકા, મિલાપ પાર્ક, રમ્ય વાટિકા, શકિત પાર્ક, ઉમા પાર્ક, જય અંબે, સહજાનંદ, બજરંગ સોસાયટી, નિતિન પાર્ક, દર્શન ટાઉનશિપ વગેરે સોસાયટી આવેલ છે. છેલ્લા 2 વર્ષથી આ સોસાયટીઓમાં ચોમાસામાં વરસાદ પડે ત્યારે 3-4 ફુટ પાણી નદીની જેમ વહેતું હોય છે. તેના નિકાલ માટેની વ્યવસ્થા બંધ થઈ ગયેલ છે. તેમજ અન્ય સોસાયટીના પાણી, તળાવ ઓવરફલો કે વોકળાનું પાણી આ સોસાયટીમાં આવે છે. તેથી, ચોમાસામાં બાઈક, કાર ચલાવી શકાતા નથી અને ચલાવે તો પાણીમાં ફસાઈ જાય છે. અને વાહનોમાં નુકશાની થાય છે. તો ચોમાસાના પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરી આપવા માટે અપીલ કરાઈ છે. આ ઉપરાંત, આ સોસાયટીઓના મુખ્ય માર્ગ પરની ભુગર્ભ ગટર વ્યવસ્થા વારંવાર બ્લોક થઈ જાય છે તો તેની પોહળા પાઈપ નાખી ફરીથી કરી આપવા તેમજ અવની ચોકડી પાસે જે કેનાલ પર નાલુ આવેલ છે, તે નાલુ સાંકળુ હોવાથી ટ્રાફીકમાં અતિશય મુશ્કેલી પડે છે. તેથી, તેની પણ પહોળાઈ વધારી આપવા માટે તેમજ અવની રોડ પર વારંવાર ખોદકામ કરવાથી તુટી ગયેલ છે. જે ઉપરની કામગીરી જેવી કે પાણી નિકાલ તથા ગટર વ્યવસ્થા પુર્ણ કર્યા પછી RCC રોડ કમ્પ્લીટ કરાવી આપવા પણ રજૂઆત કરવામાં આવી છે.