મોરબી: ગુજરાત રાજ્યના કર્મચારીઓના બનેલા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યમાં નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજરોજ મંત્રી બ્રિજેશ મેરજા અને ધારાસભ્યોને આવેદનપત્ર પાઠવી માંગણીઓ અને પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઇ છે. આજરોજ ૧૪મી એપ્રિલે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીએ બંધારણ પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી અને ગુજરાતમાં જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય સરકારના મંત્રી બ્રિજેશ મેરજાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોરબીના ધારાસભ્ય લલિત કગથરા, જાવેદ પીરઝાદા અને પરસોતમ સાબરીયાને પણ આ અંગેની રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે, તેઓની જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવાની માગણી સહિતની જે રજૂઆતો છે તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડી સત્વરે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે.