રજાના દિવસો દરમ્યાન તમામ પ્રકારની કામગીરીથી બાકાત રાખવા અપીલ મોરબી : છેલ્લા બે વર્ષથી સતત એકપણ રજા વિના ફરજ બજાવતા કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓને શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાઓનાં લાભ આપવા બાબતે આરોગ્ય કર્મચારી મહાસંઘ - મોરબી જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. આ રજુઆતમાં જણાવાયું છે કે સમગ્ર વિશ્વમાં કોરોના નામના દાનવે હાહાકાર મયાવ્યો હતો અને આ હાહાકારથી ગુજરાત રાજય પણ બાકાત રહી શકયું નથી. કોરોના વાઇરસે સમગ્ર રાજયને અસરગ્રસ્ત કરી નાખ્યું હતું ત્યારે ગુજરાત સરકારની સફેદ આર્મી એટલે કે આરોગ્ય કર્મચારીઓએ પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના નિરંતર દિવસ-રાત રાષ્ટ્રના લોકોની સેવા કરી હતી અને અસંખ્ય જીવોની જિંદગી બચાવી હતી. હાલ ગુજરાત સરકાર અને રાજયના આરોગ્ય કર્મચારીઓની દિવસ-રાત કરેલ મહેનત રંગ લાવી છે. અને કોરોના વાઈરસને હાલ મહદઅંશે કાબુ કરી શક્યા છીએ. છેલ્લા બે વર્ષથી આરોગ્યના તમામ કર્મચારીઓ કોઈપણ રજા ભોગવ્યા વિના પોતાની સેવા રાષ્ટ્રના લોકોને આપી રહયા છે અને આ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી કે કોરોના વાઇરસ મહદઅંશે કાબુમાં લાવવામાં જો સૌથી મોટો કોઈનો ફાળો હોય તો એ આરોગ્ય કર્મીઓનો છે. હાલ કોરોના વાઇરસનું પ્રમાણ સમગ્ર રાજયમાં ઓછું થઈ ગયું હોય તેમ છતા સામાજિક પ્રસંગોમાં, ધાર્મિક તહેવારોમાં શનિ-રવિની રજાઓમાં તેમજ જાહેર રજાઓના દિવસોમાં આરોગ્યનાં કર્મયારીઓને જુદી જુદી કામગીરી સોંપવામાં આવતી હોય છે. ત્યારે આ કર્મીઓ પરિવાર અને સામાજિક કામમાં પોતાનો સમય ન આપી શકતા હોય સામાજિક અને માનસિક તકલીફોનો સામનો તેઓને કરવો પડતો હોય છે. ઘણા કિસ્સાઓમાં ઘરકંકાસના બનાવો પણ સામે આવ્યા છે. તો કોરોના વોરિયર્સ એવા તમામ આરોગ્ય કર્મયારીઓની અને તેમના પરિવારનાં સભ્યોની વેદનાઓને સમજી તેઓને શનિ-રવિ તેમજ જાહેર રજાઓના દિવસોમાં રજાઓનો લાભ મળી રહે તે હેતુથી આ દિવસો દરમ્યાન તેઓને તમામ પ્રકારની કામગીરીથી બાકાત રાખશો તેવી તમામ આરોગ્ય કર્મચારીઓની વિનંતી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..