જગ્યાના અભાવે જૂના મૃતદેહના અવશેષો બહાર આવતા હોવાની ગંભીર રજૂઆત: વહેલી તકે નવી જમીન ફાળવવા ગ્રામજનોની માંગહળવદ (મોરબી અપડેટ) : હળવદ તાલુકાના ચરાડવા ગામના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો તથા 100 થી વધુ ગ્રામજનો દ્વારા મોરબી કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં દલિત સમાજ માટે સ્મશાન (દફનવિધિ) હેતુ નવી જમીન તાત્કાલિક ફાળવવા ઉગ્ર માંગ કરવામાં આવી છે.આવેદનપત્રમાં ચૌહાણ ચંદુલાલ બાબુલાલ તથા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચરાડવા ગામમાં અનુસૂચિત જાતિ સમાજની આશરે 2000 થી 2500 જેટલી વસ્તી છે. હાલમાં સમાજને દફનવિધિ માટે જે જગ્યા ફાળવેલી છે, તે વસ્તીના પ્રમાણમાં અત્યંત અપૂરતી છે અને તે જમીન પથરાળ છે. પથરાળ જમીનના કારણે ખાડો ખોદવો અશક્ય બને છે અને ફરજિયાતપણે JCB મશીન ભાડે લાવવું પડે છે. મોટાભાગના લોકો ગરીબ હોવાથી આ ખર્ચ તેમને પોસાય તેમ નથી, પરિણામે દફનવિધિમાં ભારે વિલંબ થાય છે. સૌથી ગંભીર બાબત એ છે કે, જગ્યાના અભાવે જ્યારે નવી દફનવિધિ માટે ખાડો ખોદવામાં આવે છે ત્યારે અગાઉ દફનાવેલ વ્યક્તિઓના અવશેષો બહાર આવે છે, જે મૃતકના પરિવારજનોની ભાવનાઓને ભારે ઠેસ પહોંચાડે છે.આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વર્ષ 2016 અને 2018 માં પણ અરજીઓ કરી હતી. ત્યારબાદ તારીખ 04/12/2024 ના રોજ નિયત નમૂનામાં વિધિવત અરજી કર્યા બાદ કાયદાકીય પ્રક્રિયા અને સ્થળ તપાસ (પંચરોજકામ) પૂર્ણ થઈ ગઈ હતી. આ પ્રક્રિયાને બે વર્ષ વીતી જવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આશરે 15 દિવસ પહેલા પ્રાંત અધિકારીને મળતા તેમણે મૌખિક રીતે એવો ટેકનિકલ જવાબ આપ્યો હતો કે, માંગણીવાળી જમીન રોડ પર હોવાથી ભવિષ્યમાં સરકારી કચેરી બનાવવા રિઝર્વ રાખવાની છે, તેથી તમે અન્ય જગ્યા માંગો.આ મામલે રજૂઆતકારોએ સવાલ ઉઠાવ્યો છે કે, જો આ જમીન ભવિષ્યના કોઈ પ્રોજેક્ટ માટે રિઝર્વ રાખવાની હતી તો બે વર્ષ પહેલા પંચરોજકામ વખતે કેમ ન જણાવાયું? સંપૂર્ણ કાર્યવાહી પૂરી થયા પછી હવે આવા કારણો આગળ ધરીને ગરીબ સમાજને ન્યાયથી વંચિત રાખવો યોગ્ય નથી. ભવિષ્યની સંભવિત ઈમારતો કરતા વર્તમાનમાં માણસોની અંતિમ ક્રિયાની જરૂરિયાત અને માનવ ગરિમા વધુ અગત્યની છે. આથી માનવતાના ધોરણે તાત્કાલિક જમીન ફાળવવા માંગણી કરવામાં આવી છે.#Morbi #Halvad #Charadva #MorbiUpdate #MorbiNews #DalitSamaj #CollectorOffice #GujaratNews