ગામના રહેણાંક વિસ્તારથી દૂર ટાવર બનાવવા સામાજિક એકતા જાગૃતિ મિશનની અપીલ ટંકારા : ટંકારા તાલુકાના હમીરપર ગામે જીઓ કંપની દ્વારા ગ્રામ પંચાયતની મંજૂરી ન હોવા છતાં જીઓ ટાવર નાખવાની કામગીરી કરેલ હતી. આ બાબતે હમીરપર ગામના સર્વ સમાજના લોકો દ્વારા સામાજિક એકતા જાગૃતિ મિશનનો સંપર્ક કરેલ હતો. જે બાબતે આજ રોજ મોરબી જિલ્લા વિકાસ અધિકારીને મોરબી જિલ્લા સામાજિક એકતા જાગૃતિ મિશનના પ્રભારી હિતેશભાઈ ગેડીયા, સહપ્રભારી હમીરભાઇ ટોળીયા, જિલ્લા અધ્યક્ષ મધુવન સંઘપાલ, મીડિયા સચિવ સુરેશભાઈ રાયકા તેમજ સામાજિક એકતા જાગૃતિ મિશનના સભ્યો દ્વારા આવેદન પત્ર આપવામાં આવેલ છે. આ આવેદન પત્રમાં જણાવ્યું છે કે ટંકારા તાલુકાના હમીરપર ગામમાં રહેણાંક વિસ્તારમાં જીઓ કંપની દ્વારા ટાવર ઉભો કરવાનું કામ ચાલુ હોય. અને તેની મંજુરી ગ્રામ પંચાયત દ્વારા ન આપવામાં આવી હોય તો પણ જો આ ટાવર ત્યાં ઉભો કરવામાં આવે તો ગામમાં રહેતા તમામ જન સમુદાય માટે ટાવરના રેડીયેશન ખુબ જ નુકશાનકારક છે અને જાનહાનીનું જોખમ છે. તો ગામમાં આ ટાવર ઉભો ન કરવામાં આવે તેમજ આ ટાવર નું કામ વહેલી તકે રોકવા અને ગ્રામ્ય વિસ્તારથી દુર ટાવર નાખવા અપીલ કરવામાં આવી છે.