મોરબી : જૂની પેન્શન યોજના અને સાતમા પગારપંચ મુજબ ભથ્થા આપવાની માંગ સાથે આગામી તા.3ને શનિવારના રોજ લાલબાગથી જિલ્લા સેવાસદન સુધી યોજાનાર મહારેલીમાં તમામ શિક્ષકો અને તમામ કર્મચારીઓને જોડાવવા શૈક્ષિક મહાસંઘ દ્વારા અપીલ કરવામાં આવી છે. મોરબીમાં યોજાનાર મહારેલી અંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અને તાલુકાના દરેક કાર્યકર્તાની ઉપસ્થિતિમાં ઓનલાઇન બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા અંતર્ગત શિક્ષકોનો પ્રશ્ન જુની પેન્શન યોજના લાગુ કરવા માટે અને સાતમા પગાર પંચ મુજબ ભથ્થાઓ આપવા માટે મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી.મિટિંગની શરૂઆત સંગઠનમંત્રી નિરવભાઈ બાવરવાથી કરવામાં આવી હતી.મોરબી જિલ્લાના મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા મીટીંગમાં મહત્વના મુદ્દાઓની ઝાંખી આપી હતી અને મોરબી જિલ્લાના દરેક તાલુકાના અધ્યક્ષ અને મંત્રીઓ દ્વારા આવનારી જિલ્લા કર્મચારી મહામંડળે આપેલી રેલીનું આયોજન કેવી રીતે કરવું અને તેના મંતવ્યો રજૂ કર્યા હતા.દરેક કાર્યકર્તાઓએ પોતાના અલગ અલગ મંતવ્યો રજૂ કર્યા અને કાર્યક્રમને સફળ કેવી રીતે બનાવો તે મુદ્દાઓની ગહન ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દરેક કાર્યકર્તાઓને આ રેલીમાં દરેક સ્કૂલ સુધી પહોંચી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકોને જોડવા માટે આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સંયુક્ત મોરચા અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના બેનરો બનાવી રેલી યોજવામાં આવશે. આ ઉપરાંત મીટીંગને આગળ વધારવા માટે જિલ્લાના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.સંગઠનની ગરિમા શું છે? તેનું મહત્વ આપવામાં આવ્યું અને સંગઠન કઈ રીતે કામ કરે છે તેની ઝાંખી આપવામાં આવી હતી. ત્યારબાદ મીટીંગનો દોર મોરબી જિલ્લાના મહામંત્રી કિરણભાઈ કાચરોલા દ્વારા આગામી તા.૩ રોજ રેલીનું આયોજન કેવી રીતે કરવું તેની રૂપરેખા રજૂ કરી અને કલ્યાણ મંત દ્વારા મીટીંગ પૂર્ણ કરી હતી તેવું હિતેશભાઈ પાંચોટિયા જિલ્લા પ્રચાર મંત્રી દ્વારા જણાવવામાં આવેલ છે.