વરસાદ ખેંચાતા પાક બચાવવા ઊર્જા મંત્રીઓ અને ધારાસભ્યને પત્ર લખી રજૂઆત કરાઈમોરબી અપડેટ (હળવદ) : હળવદ તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં વરસાદ ખેંચાઈ જવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ત્યારે ખેડૂતોના હિતમાં હળવદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ના ચેરમેન જયેશભાઈ કે. પટેલ દ્વારા રાજ્ય સરકારમાં મહત્વની રજૂઆત કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને આપવામાં આવતો ખેતીવાડી વીજળીનો પુરવઠો 8 કલાકથી વધારીને 10 કલાક કરવા માંગ કરવામાં આવી છે.હળવદ APMC ચેરમેન જયેશભાઈ કે. પટેલે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને પત્ર લખીને જણાવ્યું છે કે, હાલ હળવદ તાલુકા સહિત સમગ્ર વિસ્તારના ખેડૂત મિત્રો કપાસ, મગફળી તથા અન્ય ખરીફ પાકોની ખેતી કરી રહ્યા છે. હાલના સમયમાં વરસાદ ખેંચાઈ જવાને કારણે ખેતીના પાકોને પૂરતા પ્રમાણમાં પિયતની જરૂરિયાત ઊભી થઈ છે. ખેડૂતોને હાલમાં પાક બચાવવા સમયસર પિયત આપવું અત્યંત જરૂરી બની ગયું છે.વધુમાં પત્રમાં જણાવાયું છે કે, હાલ ખેતીવાડી માટે વીજળીનો પુરવઠો 8 કલાક મળતો હોવાથી ખેડૂતોને જરૂરી પિયત સમયસર પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને વરસાદ ખેંચાવાના કારણે પાકને પાણીની તાતી જરૂરિયાત છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો ખેતીવાડી વીજળીનો પુરવઠો હાલના 8 કલાકમાંથી વધારીને 10 કલાક કરવામાં આવે તો ખેડૂતો તેમના કપાસ, મગફળી તથા અન્ય પાકોમાં સમયસર પિયત કરી શકશે. જેના પરિણામે પાકને નુકસાન થતું અટકાવી શકાય અને ખેડૂતોને આર્થિક રાહત પણ મળી શકે. આથી ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સત્વરે વીજળીનો પુરવઠો 8 કલાકથી વધારીને 10 કલાક કરવા હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.#MorbiUpdate #Halvad #HalvadAPMC #Farmers #Agriculture #ElectricityForFarmers #GujaratGovernment #HalvadNews #MorbiNews #FarmersIssue