ટ્રેડરો પાસેથી 45 દિવસમાં પેમેન્ટ ન આવતા સિરામિક ઉદ્યોગોને તકલીફ, સિરામિક પાસેથી પેમેન્ટ સમયસર ન મળતા પેકેજીંગ ઉદ્યોગને તકલીફ અને છેલ્લે પેકેજીંગ પાસેથી 45 દિવસમાં પેમેન્ટ ન મળતા પેપર મિલ ઉદ્યોગને પણ તકલીફસિરામિક ઉદ્યોગો સ્મોલ અને મીડિયમમાં આવે છે : સ્મોલ એન્ટરપ્રાઈઝને ટ્રેડરોએ 45 દિવસમાં પૈસા ચૂકવી દેવાના હોય છે, પણ ટ્રેડરો આ નિયમનો ઉલાળીયો કરે છે, જ્યારે મીડીયમ એન્ટરપ્રાઈઝ માટે 45 દિવસમાં બાકી પૈસા મેળવી લેવાનો કોઈ નિયમ જ નથી : સમસ્યા અહીંથી શરૂ થાય છેમોરબી : મોરબીમાં સિરામિક ઉદ્યોગ અત્યારે મંદીમાં સપડાયેલો છે. જેના લીધે તેને સંલગ્ન બીજા ઉદ્યોગોમાં પણ અસર દેખાઈ રહી છે. આ દરમિયાન 45 દિવસમાં પેમેન્ટના નિયમની જે ગડમથલ છે તેને લઈને સિરામિકથી લઈ પેકેજીંગ અને પેપરમિલ આ ત્રણેય ઉદ્યોગો પીડાઈ રહ્યા છે. હવે આને લઈને થોડા જ સમયમાં ક્લસ્ટરના કાચા માલના ખરીદ-વેચાણનો જે વ્યવહાર છે તેને અસર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. મોરબી પેપરમિલ એસોસિએશન દ્વારા 150 જેટલા પેકેજીંગ એકમોના માલિકો સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં પેપર મિલ એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ઉધારીમાં વધુ દિવસો ચાલતા હતા. પણ હવે એપ્રિલથી 45 દિવસની અંદર બાકી પેમેન્ટ ભરપાઈ કરવાના નિયમની ચુસ્ત અમલવારી કરવામાં આવશે. હાલ પેપરમિલો સરેરાશ 100થી 150 દિવસનું પેકેજીંગ ઉદ્યોગોને બાકી આપી રહ્યું છે. પણ હવે 45 દિવસમાં પેમેન્ટ કરવાનું કહેવામાં આવતા પેકેજીંગ ઉદ્યોગો ચિંતામાં મુકાયા છે. પેમેન્ટ બાબતે પેકેજીંગ ઉદ્યોગોની સ્થિતિઆ મામલે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં પેકેજીંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા ધીરેનભાઈ કાસુન્દ્રાએ જણાવ્યું કે પેપરમિલ પાસેથી માલ લઈ પેકેજીંગ ઉદ્યોગ બોક્ષ બનાવી તેને સિરામિક ઉદ્યોગમાં આપે છે. પેપરમિલ તરફથી હવે 45 દિવસમાં પેમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. જો 45 દિવસમાં પેમેન્ટ નહિ થાય તો તેઓ માલ નહિ આપે. સમસ્યા એ છે કે પેકેજીંગ ઉદ્યોગને સિરામિક ઉદ્યોગ પાસેથી 45 દિવસમાં પૈસા મળતા નથી. આવી સ્થિતિમાં પેકેજીંગ ઉદ્યોગ કઈ રીતે પેપરમિલ ઉદ્યોગને 45 દિવસમાં પૈસા આપી શકે ? આમ પેકેજીંગ ઉદ્યોગની હાલત અત્યારે સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે.પેમેન્ટ બાબતે પેપરમિલ ઉદ્યોગની સ્થિતિઆ મામલે પેપર મિલ એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઇ દેત્રોજાએ જણાવ્યું કે પેકેજીંગ ઉદ્યોગોને નવા નાણાકીય વર્ષથી એટલે કે એપ્રિલ મહિનાથી 45 દિવસમાં પેમેન્ટ આપવાનું કહેવામાં આવ્યું છે. કારણકે પેપરમિલ ઉદ્યોગ અત્યારે નાણાકીય ખેંચ ભોગવી રહ્યો છે. કારણકે પેપરમિલ ઉદ્યોગને વેસ્ટ, કોલસો, વીજળી સહિતની જે વસ્તુઓની જરૂરિયાત છે તે તમામ વસ્તુઓ બાકીમાં મળતી નથી. દરેક પેપરમિલ પાસે ઉધારીમાં આપેલા માલનું લિસ્ટ વધતું જ જઈ રહ્યું છે. જ્યારે તેને જે કાચો માલ લીધો છે તેનું પેમેન્ટ તો તુરંત જ કરી દેવાનું રહે છે. માટે હવે પેપરમિલ ઉદ્યોગને ટકાવી રાખવા પેકેજીંગ ઉદ્યોગ તરફથી 45 દિવસમાં પેમેન્ટ મળે તે જરૂરી બન્યું છે.પેમેન્ટ બાબતે સિરામિક ઉદ્યોગની સ્થિતિઆ મામલે સિરામિક ઉદ્યોગના પ્રમુખ હરેશભાઇ બોપલિયાએ જણાવ્યું કે એમએસએમઇમાં માઇક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઈઝ આવે છે. સ્મોલ અને માઇક્રો એન્ટરપ્રાઈઝને 45 દિવસમાં પેમેન્ટ મેળવી લેવાનો અને ચૂકવી પણ દેવાનો નિયમ છે. મોટાભાગના સિરામિક એકમો મીડીયમ એન્ટરપ્રાઈઝમાં આવે છે. મીડીયમ એન્ટરપ્રાઈઝ માટે માત્ર 45 દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાનો જ નિયમ છે. 45 દિવસમાં પેમેન્ટ મેળવી લેવાનો કોઈ નિયમ નથી. જેથી 45 દિવસે પેમેન્ટસ મળતુ નથી અને ચુકવણુ ફરજીયાત કરવાનુ થાય છે. જે ઉધોગ માટે કપરી પરિશ્થિતિ નુ નિર્માણ કરે છે.અમુક સિરામિક ઉદ્યોગો સ્મોલ એન્ટરપ્રાઇઝમાં આવે છે તેને નિયમ મુજબ ટ્રેડરોએ 45 દિવસમાં પૈસા ચૂકવી દેવાના હોય છે. પણ તેઓને ટ્રેડરો તરફથી 45 દિવસમાં પેમેન્ટ મળતું નથી. વધુમાં સિરામિક એકમોના ગ્રાહકો દેશ-દુનિયામાં ફેલાયેલા છે. પૈસા એક-બે મહિનામાં આવતા નથી. સિરામિક ઉદ્યોગોને પૈસા મોડા મળે છે એટલે સંલગ્ન ઉદ્યોગોને પણ ચુકવણી મોડી થાય છે. આમ હાલ એવુ જણાઈ રહ્યું છે કે ટ્રેડરો, સપ્લાયરો સહિતના દ્વારા સિરામિકને પેમેન્ટમાં કરવામાં આવતા વિલંબના કારણે સિરામિક, પેકેજીંગ અને પેપરમિલ આ ત્રણેય ઉદ્યોગો પીડાઈ રહ્યા છે. તમામ માટે 45 દિવસમાં ચુકવણી સાથે કલેક્શનનો સરકાર કડક નિયમ લઈ આવે અને ચુસ્ત અમલવારી કરાવે તો ત્રણેય ઉદ્યોગોની અનેક સમસ્યાઓનો ઉકેલ થઈ જાય તેમ છે.