હાલમાં બંધ રહેલા એટીએમ ફરીથી ચાલુ કરવાની માંગ મોરબી : મોરબીમાં એસબીઆઈ સહિતની બેંકોના એટીએમ છેલ્લા બે મહિનાથી બંધ હાલતમાં છે. આથી, લોકોને ઇમરજન્સીમાં કદાચ નાણાંની જરૂરિયાત ઉભી થાય તો 'જાએ તો જાએ કહાં' જેવી કફોડી હાલત સર્જાઈ છે. આ એટીએમ એનીટાઈમ મનીને બદલે એની ટાઈમ મુશ્કેલીરૂપ બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એટીએમ મશીનો બંધ હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મોરબીમાં આમ તો એસબીઆઈ બેન્ક સહિત ઘણી બધી બેંકના એટીએમ મશીનો ઠેરઠેર આવેલા છે. પણ આ એસબીઆઈ બેન્ક સહિતની બેંકોના મોટાભાગના એટીએમ મશીનો છેલ્લા બે મહિનાથી બંધ છે. આ એટીએમ મશીનો ખાસ કરીને ઇમરજન્સી સમયે ખૂબ જ ઉપયોગી રહે છે. કારણ કે ઇમરજન્સી સમયમાં લોકોની તાત્કાલિક નાણાંની જરૂરિયાત પૂરી થાય છે. પણ આ એટીએમ મશીનો બંધ હોવાથી લોકો ઉપયોગ કરી શકતા નથી અને ઇમરજન્સી સમયે લોકો રઝળી પડે છે. લગ્ન જેવા પ્રસંગોમાં પણ લોકોને નાણાંની જરૂરિયાત પૂરી કરવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને રાત્રી સમયે બહારગામથી માણસો અહીંયા આવ્યા હોય અને તે વખતે ઇમરજન્સીમાં નાણાંની જરૂરત પડે ત્યારે એટીએમ બંધ હોય લોકો મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આથી, લોકોની આ મુશ્કેલી દૂર કરવા માટે ફરીથી એટીએમ મશીન ચાલુ કરવાની માંગ સાથે સામાજિક કાર્યકરો રાજુ દવે, જગદીશ બાંભણીયા, મુસાભાઈ બ્લોચે કલેકટરને લેખિત રજુઆત કરી છે.