ભીમ અગિયારસની વાવણી થઇ જશે : એકંદરે વર્ષ છ આની રહેવાનો ખાદલી જોઈને વરતારો કઢાયો ટંકારા : આ વર્ષે છ આની વર્ષ રહેવાનો વરતારો ટંકારાના એક ખેડૂતે પરંપરાગત રીતે જોવામાં આવતી ખાદલી પદ્ધતિથી આપ્યો છે. ભીમ અગિયારશે વાવણી થશે અને અને આવતીકાલથી વરસાદનું આગમન થશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. ટંકારાના નેસડા ખાનપરના ખેડુત કિશોરભાઈ ભાડજા કોઠા સુઝથી દર વરસે વરસાદની આગાહી કરે છે. ગયા વર્ષે પણ એમણે આગાહી કરીને કહ્યું હતુ કે વર્ષ નબળુ રહેશે. આગાહી કરવા માટે જે પદ્ધતિને અનુસરવામાં આવે છે એના વિશે જણાવીએ તો આ એક ખગોળીય ઘટના છે. જેને સ્થાનિક ભાષામાં ખાદલીના (એટલે કે આકાશી ચિત્ર) નામે ઓળખવામાં આવે છે. આ માટે ચૈત્ર સુદ પાંચમની રાત્રે આકાશમાં ગ્રહોની સ્થિતિનું નિરીક્ષણ અને અભ્યાસ કરવાનો હોય છે. આ નિરીક્ષણ પદ્ધતિમાં કૃતિકા નક્ષત્રને છોકરા તરીકે ઓળખવામાં આવે છે. રોહણી નક્ષત્ર માલના ગાડાથી ઓળખાય છે. ચંદ્રને વસિયત એટલે કે વેપારી કહેવાય છે. મૃગર્શી નક્ષત્રને રખેવાળ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે તારીખ 16 /4 /2021ને શુક્રવારે ચૈત્ર સુદ પાંચમની રાત્રે ખાદલી જોતા વસિયત માલના ગાડાની પાછળ ચાલે છે. તે જોતા ખેત ઉત્પાદન સારું થાય, માલની ક્વોલિટી સારી થાય, બજાર ભાવ સ્થિર રહેશે. ચિત્રમાં વસિયત છોકરાવથી દૂર છે તે જોતા માનવ સમુદાય ઉપર કોઈ આફત નથી દેખાતી.ચિત્રમાં વસિયત રખેવાળથી પણ દૂર દેખાય છે તેથી સરહદ ઉપર પણ કોઈ ભય નથી અને જેમ જેમ સમય જશે તેમ માણસ ભયમુક્ત થતા જશે. ચોમાસુ આ વખતે સમયસર અને વહેલું એટલે કે તા. 17 જૂનથી બેસી જશે અને ભીમ અગિયારસની વાવણી બાદ 15 દિવસનું વાયરું રહેવાની અને તા.6 જુલાઈથી પુનર્વસુ નક્ષત્રમાં વરસાદનો બીજો રાઉન્ડ આવશે. અષાઢ મહિનામાં વરસાદના નાના-નાના રાઉન્ડ આવશે અને શ્રાવણ તેમજ ભાદરવા મહિનામાં સારો વરસાદ પડશે તેમજ આ વર્ષે હાથિયો ગાજીને ચોમાસુ વિદાય લેશે. આ વર્ષના ચાર સ્તંભ જોતા વર્ષ છ આની કહેવાય. આ વર્ષે મેઘનો નિવાસ ધોબીના ઘેર અને રોહીણીનો વાસ તટ ઉપર છે, આકાશ દર્શન વર્ષોથી ચાલતી પરમ્પરા છે. તેના ઉપરથી તારણ કાઢી શક્યતો દર્શાવી શકાય છે બાકી બધું કુદરતના હાથમાં હોવાનું વર્ષા વરતારો આપનાર કિશોરભાઈ ભાડજાએ જણાવ્યું હતું.