મોરબી : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે 13 જૂન ને શુક્રવારના રોજ અનુપમ મિશન શ્રી સ્વામિનારાયણ સ્પિરિચ્યુઅલ એન્ડ કલ્ચરલ સેન્ટર, નાની વાવડી મોરબી દ્વારા પટેલ સમાજ વાડી નાનીવાવડી- મોરબી ખાતે પ્રાર્થના અને સત્સંગ સભાનું આયોજન કરાયું હતું.આ પ્રસંગે અનુપમ મિશનના અધિષ્ઠાતા સંત ભગવંત સાહેબજી મહારાજ, સદગુરુ સંત અશ્વિનદાદા, સદગુરુ સંત મનોજદાસજી, જયંતિભાઈ શેરસિયા અને અનુપમ મિશનના સંતો તથા હરિભક્તો એકત્ર થઈ વિમાન દુર્ઘટનામાં દિવંગત આત્માઓને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. તેઓએ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરી કે દિવંગત સર્વ આત્માઓને શાશ્વત શાંતિ મળે અને શોકગ્રસ્ત પરિવારજનોને ભગવાન સ્વામિનારાયણ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે.આ સત્સંગ સભા પહેલાં પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા સંત ભગવંત સાહેબજી મહારાજના દર્શને પધાર્યા હતા. તેઓએ પણ સૌ સંતો અને હરિભક્તો સાથે દિવંગત આત્માઓની સદ્ગતિ, શાંતિ માટે પ્રાર્થના કરી શોકગ્રસ્ત પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરી પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે UPSCના પૂર્વ અધ્યક્ષ સદગુરુ સંત પૂજ્ય મનોજદાસજી, સદગુરુ સંત પૂજ્ય અશ્વિનદાદા અને સંત ભગવંત સાહેબજી મહારાજે આધ્યાત્મિક માર્ગદર્શન આપી સમજાવ્યું કે આજના દોડધામ ભરેલ જીવનમાં પરિવારમાં સંવાદિતા અને જીવનમાં પરમ શાંતિ કઈ રીતે મેળવી શકાય અને મુશ્કેલ સમયને ઈશ્વરની શ્રદ્ધા અને કરુણાથી કેવું જીવી શકાય.