વાંકાનેર : વાંકાનેર નજીક વઘાસિયા ટોલનાકાની સમાંતર નકલી ટોલનાકુ ચલાવી સરકારને કરોડો રૂપિયાનું નુકશાન કરવા પ્રકરણમાં વધુ બે આરોપીઓએ નામદાર મોરબી કોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી કરતા કોર્ટે બન્નેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.વઘાસિયા ટોલનાકા નજીક આવેલ બંધ પડેલી વ્હાઈટ હાઉસ નામની સિરામિક ફેકટરીમાંથી બારોબાર વાહનો પસાર કરાવી ટોલનાકાની જેમ ટોલ વસુલવા પ્રકરણમાં ફેકટરી માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ તેમજ અન્ય આરોપીઓમાં રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તેમજ અન્ય સંડોવાયેલા માણસો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી.બીજી તરફ પાંચ પૈકીનાં બે આરોપીઓ રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાએ મોરબીની અધિક સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી.જેની સુનાવણી દરમિયાન આરોપી તરફે વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, રવિરાજસિંહ અને હરવિજયસિંહએ કયારે કોઈ ટોલ ઉધરાવેલ નથી કે ટોલનાકાના કર્મચારીઓને કોઈ ધમકી આપેલ નથી. અને જો અરજદારોને કહેવાતા ગુનામાં અટક કરવામાં આવે તો મારઝુડ કરી ખોટી રીતે ગુનાની કબુલાત કરવાના પ્રયત્નો થશે માટે આગોતરા જામીનને અરજીને મંજૂર કરવાની દલીલ કરી હતી. તો સામે પક્ષે સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, આરોપીઓએ ગંભીર પ્રકારનો ગુનો આચાર્યો છે. જો આગોતરા જામીન ઉપર મુકત કરવામાં આવશે તો, ફરીથી આ જ પ્રકારે ગુના આચરશે તેમજ ફરીયાદી તથા સાહેદોને ધાક ધમકી, લોભ-લાલચ આપી, ડરાવી ધમકાવી ફોડવા પ્રત્યનો કરી ફરીયાદપક્ષના કેસને નુકશાન પહોંચાડશે.વધુમાં પુરાવા મેળવવાના બાકી છે. તેથી આરોપીઓની હાલની જામીન અરજી રદ કરવા દલીલ કરી હતી.બંને પક્ષની દલીલોને ધ્યાને લઈને મોરબીના બીજા અધિક સેશન્સ જજ વિરાટ બુદ્ધ સાહેબ દ્વારા આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની આગોતરા જામીન પર મુકત થવાની અરજી નામંજુર કરી હતી. નોંધનીય છે જે અગાઉ પણ બે આરોપીઓની આગોતરા જામીન અરજી નામદાર કોર્ટે ફગાવી દીધી હતી.