મારા બે ભાણેજોને છરી પણ બતાવી, જો આવા લુખ્ખાઓ સામે કડક કાર્યવાહી નહિ થાય તો પાડા પુલ ઉપરથી કૂદકો મારી આપઘાત કરી લઈશ : બચુબાપામોરબી : મોરબીમાં જરૂરીયાતમંદ લોકોની જઠરાગ્નિ ઠારવા માટે વર્ષોથી સેવાની ધૂણી ધખાવનાર એવા બચુબાપાના અન્નક્ષેત્રમાં અસામાજિક તત્વોની રંઝાડ હોવાની ઘટના સામે આવી છે. આજે સવારે અમુક તત્વોએ અહીં રાશન વેર વિખેર કરીને ધમકીઓ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. મોરબીના સ્ટેશન રોડ ઉપર અન્નક્ષેત્ર ચલાવતા બચુબાપાએ ઘટના અંગે જણાવ્યું કે હું સવારે બહાર ગયો હતો. ત્યારે અહીં અન્ન ક્ષેત્રની જગ્યાએ કામ કરતી છોકરી હાજર હતી. ત્યારે લુખ્ખાઓએ આવીને તારે મને બધા પૈસા દઇ દેવાના છે તેવું કહ્યું હતું. ઉપરાંત બાપાને મારી નાખવાના છે. બાપાનું જે હોય તે ઝૂંટવી લેજે અને અમને આપી દેજે. કોઈને કહીશ તો તને મારી નાખીશુ. તેમ કહ્યું હતું. મારા બે ભાણેજ અહીં આવે છે તેને પણ આ લોકોએ છરી બતાવી હતી. હું પોલીસ સ્ટેશને સવારે ગયો હતો.પોલીસે તેનો નંબર આપ્યો અને કહ્યું કે આ લોકો હવે દેખાય તો ફોન કરજો. આવા અસામાજિક તત્વો આવી રીતે આખું મોરબી બાનમાં લઈ લેશે. અગાઉ પણ આ લોકોએ થોડા થોડા કરીને મારી પાસેથી રૂ. 50થી 60 હજાર પડાવી લીધા છે. અહીં સામે ચા વાળો છે તેને મારી પાસેથી પૈસા લેવાનું કામ સોંપ્યું છે. વધુમાં બચુબાપાએ જણાવ્યું કે જો આવા અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક પગલા લેવામાં નહિ આવે તો હું પાડા પુલ ઉપરથી કૂદકો મારીને આત્મહત્યા કરી લઈશ. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સ્ટેશન રોડ ઉપર જ્યારે બચુબાપાના અન્નક્ષેત્રને રોડ ઉપર હટાવવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા બચુબાપાની વ્હારે આવ્યા હતા. ત્યારે અન્નક્ષેત્રની જગ્યામાં અસામાજિક તત્વોની રંઝાડ થઈ રહી હોય, ધારાસભ્ય આ બાબતે અંગત રસ લઈને લૂખા તત્વો સામે આક્રમક કાર્યવાહી કરાવે તે અત્યંત જરૂરી છે.