વ્યાજખોરના બે કમિશન એજન્ટ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઇમોરબી : મોરબીમાં સિરામિક ફેકટરીમાં નોકરી કરતા યુવાનને ધંધા માટે રૂપિયાનું જરૂર પડતા બે મહિના પહેલા દૈનિક 1 ટકો એટલે મહિને 30 ટકાના તોતિંગ વ્યાજે દોઢ લાખ લીધા બાદ વ્યાજના વિષચક્રમા ફસાઈ જતા બહાર નીકળવા માટે અલગ અલગ ચાર વ્યાજખોરો અને બે વ્યાજખોરોના કમિશન એજન્ટના ચક્રવ્યૂહમાં ફસાઈ જતા અંતે આ તમામ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર કામધેનુ સોસાયટીમાં રહેતા અને સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતા ધાર્મિક કમલેશભાઈ ઠોરિયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી એવા વ્યાજખોર 1. સુરેશભાઇ રબારી, 2. માધવ બોરીચા રહે.મોરબી, 3. ભરતભાઇ બોરીચા રહે.જેલરોડ મોરબી, 4. શીવમ રબારી, (હોથલ ફાઇનાન્સ) 5. હીરાભાઇ ભરવાડ રહે.કારીયા સોસાયટી વાવડી રોડ મોરબી અને 6.પંકજ ઉર્ફે ધવલ ફેફર રહે. અજનાળી, મોરબી વાળાઓ વિરુદ્ધ વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે ફરિયાદ નોંધાવી છે.વધુમાં ફરિયાદી ધાર્મિકે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી 50 હજારથી લઈ 5 લાખની રકમ દૈનિક એક ટકો એટલે કે મહિને 30થી 31 ટકા વ્યાજ ચુકવવાની શરતે લીધા હતા અને બાદમાં વ્યાજ નહિ ચૂકવી શકતા તમામ આરોપીઓ જ્યા મળે ત્યાં ભૂંડા બોલી ગાળો આપી ફોનમાં ધમકી આપતા હતા. તમામ આરોપીઓએ ધાર્મિક પાસેથી વ્યાજે આપેલ રકમથી બમણા કે એથી વધુ રકમના ચેક લખાવી લીધા હતા સાથે જ આરોપી હીરા ભરવાડ અને પંકજ ઉર્ફે ધવલ ફેફરે શિવમ રબારી પાસેથી પાંચ લાખ વ્યાજે લેવડાવી કમિશન પેટે હીરા ભરવાડે 1.40 લાખ અને પંકજ ઉર્ફે ધવલ ફેફરે 1.20 લાખ પડાવી લઈ પઠાણી ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.નોંધનીય છે કે હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી વિરુદ્ધ ગઈકાલે મંદિરના પૂજારીને માર મારી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાની તેમજ અગાઉ તેની હોથલ હોટલના પાર્કિંગના ફાયરિંગની ઘટનામાં પણ હથિયાર મામલે ગુંન્હો દાખલ થયેલ હોવાનું સામે આવ્યું છે.