રાજુલા, અમરેલી, ગીર, માલધારી નેસ, ઉના સહિતનાં વિસ્તારોમાં રાશન કીટનું વિતરણ મોરબી : વાવાઝોડાગ્રસ્ત વિસ્તારમાં મોરબીની સંસ્થાઓ દ્વારા રાશનકીટ વિતરણ અને પાણીની સમસ્યા દૂર કરવા જનરેટર સેટ સાથેની ટીમ ધારી-ખાંભા અને ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં રાહત કાર્યના કામે લાગી છે. ત્યારે મોરબીના સેવાભાવી યુવાનોની વધુ એક ટીમ દ્વારા વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતમંદોને રાશનકીટ વિતરણ કરવા આગળ આવી છે અને નવ કરતા વધુ યુવાનોની ટિમ હાલ રાજુલા, અમરેલી, ગીર માલધારી નેસ, ઉના સહિતનાં વિસ્તારોમાં પહોંચી છે. તાજેતરમાં આવેલા તૌકતે વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રનાં સમુદ્ર કિનારે વસેલા વિસ્તારો ખાસા પ્રભાવિત થયા હતાં. હજારો વિજપોલ, ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર પડી જવાથી આ વિસ્તારોમાં ઇલેક્ટ્રિક સપ્લાયને ગંભીર અસર પહોંચી હતી. કાચા મકાનોના છાપરા ઉડી જવાથી સેંકડો લોકો અંતરિયાળ ગામોમાં નોંધારા બન્યા હતા. સરકારી સહાયો સમયસર ન પહોંચવાની સેંકડો ફરિયાદો વચ્ચે મોરબીના સેવાભાવી યુવાનોની વધુ એક ટીમે આ વિસ્તારમાં રાશનકીટ પહોંચાડવાનું અભિયાન શરૂ કર્યું. આ માટે રવાના થયેલી ટીમે આશરે 1500 જેટલી રાશનકીટ તૈયાર કરી. મગદાળ, ચોખા, ખાંડ, તેલ, માચીસ, વોશિંગ પાવડર, મીઠું, મસાલા, બટેટા, ડુંગળી, લોટ જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓનો કીટમાં સમાવેશ કર્યો. જેમાં મોરબીના નવઘણભાઈ ભરવાડ, કિશનભાઈ રબારી, ચિરાગભાઈ બોરીચા, મેઘરાજભાઈ ભરવાડ, હાર્દિક પટેલ, વિપુલભાઈ રબારી, યશભાઈ પટેલ, પોપટભાઈ મેર, ભરતભાઈ આહીર સહિતનાં યુવાનો હાલ ઉપરોક્ત વિસ્તારોમાં રાશનકીટ વિતરીત કરી રહ્યા છે. સાથોસાથ જે કાચા મકાનોના નળીયાવાળા છાપરા ઉડી ગયા છે તેનો સર્વે પણ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં મોરબીથી નળીયાનો ટ્રક ભરીને જરૂરિયાતમંદ લોકોને નળીયા પહોંચાડવા માટે પણ ઉક્ત વિસ્તારોમાં રવાના થશે તેવું આ ટીમના યુવાનોએ જણાવ્યું હતું.