હવે સૂરજબારી પુલ ઉપર જ નિર્ભર નહિ રહેવું પડે : ટીકરથી પલાસવા વચ્ચે આ રોડને કારણે 121 કિમીનું અંતર ઘટીને 35 કિમિ જ થઈ જશે મોરબી : સૌરાષ્ટ્ર-કચ્છને જોડતો અત્યારે એક જ માર્ગ છે. હવે પલાસવા અને ટીકર વચ્ચેના બીજા માર્ગને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જેથી હવે હવે સૂરજબારી પુલ ઉપર જ નિર્ભર નહિ રહેવું પડે. ટીકરથી પલાસવા વચ્ચે આ રોડને કારણે 121 કિમીનું અંતર ઘટીને 35 કિમિ જ થઈ જશે. પલાંસવાથી ટીકરના રસ્તા માટે 20 કરોડની રકમ ફાળવવા માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ સમક્ષ દરખાસ્ત કરાઇ હતી. જેના અનુસંધાને સૈધ્ધાંતિક મંજૂરીરૂપી લીલીઝંડી મળી ગઇ છે. કચ્છના આડેસરથી ટીકર હળવદ હાઇવેનું જોડાણ કરાય તો વાગડ, બનાસકાંઠાના લોકોને સીધો ફાયદો થાય તેમ છે તેમ છતાં સરકાર દ્વારા વખતો-વખત અભયારણ્યનું બહાનું આગળ ધરીને મંજૂરી અપાતી ન હતી. આ માર્ગ બની ગયા બાદ મોરબી હળવદ જતા ટ્રાન્સપોર્ટરોને લાંબા ફેરામાંથી મુક્તિ મળશે. પલાસવાથી ટીકર માત્ર 35 કિમીનું અંતર છે. પણ અત્યારે સુરજબારી પુલ ઉપરથી હાઇવે છે ત્યાંથી જઈએ એટલે આ અંતર વધીને 121 કિમિ થઈ જાય છે.એક માસ પહેલા પલાંસવાથી ટીકર માર્ગના બાંધકામ પહેલાની પ્રવૃત્તિ માટે 20 કરોડની રકમ ફાળવવા માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગને દરખાસ્ત કરાતાં આ રસ્તો બનાવવા માર્ગ મોકળો થયો હતો. સરકાર દ્વારા 20 કરોડની રકમની દરખાસ્તને સૈધ્ધાંતિક મંજૂરી મ્હોર મરાતાં આગામી સમયમાં રણ ચીરીને નીકળતો વધુ એક માર્ગ મળશે. ટીકર-પલાંસવા રોડના પ્રિ-કન્ટ્રક્શન માટે સૈધ્ધાંતિક મંજૂરી મળતાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ સરકારનો આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે શકતાભાઈ નારણભાઈ ભરવાડ નામના આગેવાને આ રોડ માટે સરકારમાં અનેક રજૂઆતો કરી હતી. તેમની મહેનત હાલ ફળી છે.