રાજકોટ પ્રાઇવેટ હોસ્પિટલ દાખલ મોરબી શહેરના યુવાનના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલાયા : કુલ પાંચ સેમ્પલના રિપોર્ટની જોવાતી રાહ મોરબી : મોરબી જિલ્લામાં કુલ પાંચ લોકોના આજે કોરોનાના રિપોર્ટ માટે સેમ્પલ લેવાયા છે. જેમાં 3 રાજકોટ સારવારમાં રહેલા અને બે મોરબી આઇસોલેશનમાં દાખલ કરાયેલા લોકોનો સમાવેશ થાય છે. આ તમામના કાલે સોમવારે રિપોર્ટ આવશે. મોરબીમાં આજે ઘુંટુ ગામ પાસે રહેતી 19 વર્ષની યુવતી અને રફાળેશ્વર પાસે રહેતા પરપ્રાંતીય યુવકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ જામનગર મોકલાયા છે. જ્યારે રાજકોટ સારવારમાં રહેલા વાંકાનેરના કોટડાનાયાણી ગામના 1 વર્ષ બાળક અને હળવદના પાંચ વર્ષના બાળકના પણ કોરોના રિપોર્ટ માટે સેમ્પલ લેવાયા બાદ રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવારમાં રહેલા મોરબીના શક્તિ પ્લોટમાં રહેતા 35 વર્ષના યુવકને પણ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેના સેમ્પલ લઈ રાજકોટ લેબમાં મોકલાયા છે. આમ આજે મોરબી જિલ્લામાં રહેતા કુલ પાંચ લોકોના સેમ્પલ લેવાયા છે. જેમાં 2 જામનગર અને 3 રાજકોટની લેબમાં મોકલાયા છે. તે તમામનો રિપોર્ટ કાલે સોમવારે સાંજ સુધીમાં જાહેર થશે. જ્યારે અમદાવાદથી એમ્બ્યુલન્સની આડમાં વાંકાનેર આવેલા સાત લોકોમાં કોઈ શંકાસ્પદ લક્ષણો ન જણાતા તેમના સેમ્પલ લેવા કે નહીં તે બાબતે વાંકાનેર હોસ્પિટલ તંત્ર હજુ કોઈ નિર્ણય નથી લઈ શક્યું.