બર્થડે પાર્ટીમાંથી પરત ફરતા મૂળ મધ્યપ્રદેશના પરિવારમાં ગમગીની, મૃત્યુઆંક ચાર થયો મોરબી : બે દિવસ પહેલા માળીયા મિયાણાના મોટા દહીસરા પાસે રાત્રીના અજાણ્યા વાહને પાંચ સવારીવાળા બાઇકને ઉલાળી દેતાં મુળ મધ્યપ્રદેશનો અને હાલ નાના દહીસરા રહેતાં કલ્પેશ ઉર્ફ ધર્મેન્દ્ર શરૂભાઇ કુશવાહા તથા તેના દિકરા, દિકરાના ઘટના સ્થળે જ મોત થયા હતાં. ગંભીર રીતે ઘવોલી તેની પત્નિ અને ચાર વર્ષની દિકરીને રાજકોટ ખસેડાયા હતાં. જેમાંથી દિકરીનું પણ ગત રાતે મોત થતાં મૃત્યુ આંક ચાર થયો છે.જાણવા મળતી વિગતો મુજબ નાના દહીસરામાં રહેતો પાણીપુરીનો ધંધાર્થી કલ્પેશ ઉર્ફ ધર્મેન્દ્ર ગત તા.21મીએ રાતે પત્નિ લક્ષ્મી, પુત્રી પરી (ઉ.5), પુત્ર શુભમ્ (ઉ.2) અને બીજી પુત્રી ખુશી (ઉ.4)ને બાઇકમાં બેસાડી નજીકના વવાણીયા ગામે સગાની દિકરીના જન્મદિવસની પાર્ટીમાં ગયો હતો. ત્યાંથી રાતે બાઇક પર નાના દહીસરા આવતી વખતે રસ્તામાં કોઇ અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લઈ ઉલાળીને ભાગી જતાં ધર્મેન્દ્ર ઉર્ફ કલ્પેશ, પુત્રી પરી અને પુત્ર શુભમ્ના ઘટના સ્થળે જ મોત થયા હતાં. જ્યારે તેમના પત્નિ લક્ષ્મીબેન અને પુત્રી ખુશી (ઉ.4)ને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. જ્યાં ગત રાતે ખુશીએ દમ તોડી દેતાં મૃત્યુઆંક ચાર થયો છે.