મોરબી: મોરબીના દલવાડી સર્કલથી આવાસ યોજના તરફ જતા કેનાલ પરના પુલમાં ફરી એકવાર જીવલેણ ગાબડું પડ્યું છે. આ રસ્તો સરદાર નગર, ઉમા રેસિડેન્સી, તુલસી પાર્ક, બાયપાસ પાર્ક અને વાડી વિસ્તારની મોટી વસ્તીને જોડતો હોવાથી અહીંથી મોટી સંખ્યામાં વાહનચાલકો અને રાહદારીઓ પસાર થાય છે. આ ગાબડાને કારણે દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ જ પુલમાં લગભગ 7-8 મહિના પહેલા પણ ગાબડું પડ્યું હતું, જેનું સમારકામ કરવામાં આવ્યું હતું. જોકે, હાલ ફરીથી ગાબડું પડ્યું છે. વહેલી તકે આ પુલનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.