મોરબી : મોરબીના વતની અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા યુવા એડ્વોકેટ મિતેષ દિલીપકુમાર દવેએ અનેરી સિદ્ધિ હાંસલ કરી છે અને સતત છઠ્ઠી વખત લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.યુવા એડ્વોકેટ મિતેષ દવે ધોરણ 5માં અભ્યાસ કરતાં હતાં ત્યારથી જ વિવિધ સિક્કાઓ, ચલણી નોટ, વૈશ્વિક નેતાઓના પત્રો, ઓટોગ્રાફ અને ટપાલ ટિકિટ સંગ્રહ કરવાનો શોખ જાગ્યો હતો. ત્યારે હાલ તેમની પાસે ભારત સરકારની તમામ ટંકશાળ દ્વારા બહાર પડાયેલા સિક્કાઓ, રિઝર્વ બેંકના પ્રથમ ગર્વનરથી લઈ હાલના ગવર્નર શક્તિકાંત દાસ સુધીના તમામ ગર્વનરની સહીઓ વાળી નોટ છે. વિશ્વના લગભગ તમામ 285 દેશના ચલણ તથા ટપાલ ટિકિટનો અનોખો સંગ્રહ છે. તેઓની પાસે ઈન્ટરનેશન બેંક નોટ સોસાયટી- ઓસ્ટ્રેલિયાનું સભ્યપદ છે. તેઓને આ સંગ્રહ બદલ લિમ્કા બુક ઓફ રેકોર્ડ (છ વખત), ઈન્ડિયા બુક રેકોર્ડ, આસ્સિટ વર્લ્ડ રેકોર્ડ, ઈન્ક્રેડિબલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, યુનિવર્સલ રેકોર્ડ ફોરમ જેવા રેકોર્ડ છે. ત્યારે આજે 14 ફેબ્રુઆરીના રોજ છઠ્ઠી વખત તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ સામેલ થયું છે.મહત્વનું છે કે, મિતેષ દવે પાસે પોતાના સંગ્રહમાં સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્ર પ્રમુખ એલિયન બ્રટ, કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો, કચ્છના મહારાજા સ્વ. પ્રાગમલજી, ભારત રત્ન સ્વ. લતા મંગેશકર, ઉદયપુર મેવાડના રાજકુંવર લક્ષ્યરાજસિંહજી, ભારતના પ્રથમ અવકાશયાત્રી તથા અશોકચક્ર વિજેતા રાકેશ શર્મા, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પ્રથમ વડા સ્વ. બિપિન રાવત સહિતના દિગ્ગજો પાસેથી આવેલા શુભેચ્છા પત્ર પણ છે.