આરોપી બે દિવસના રિમાન્ડ ઉપર : સાયબર ક્રાઈમની ટીમ મૂળ સુધી પહોંચવા આકરી તપાસ કરશેમોરબી: વિદેશમાં વેપાર-ધંધા અને નિકાસ કરવાની લાલચ આપીને વેપારીઓ પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવાના એક મોટા સાયબર ફ્રોડ કેસમાં મોરબી સાયબર ક્રાઇમ ટીમને મોટી સફળતા મળી છે. મોરબી સાયબર ક્રાઇમની ટીમે ગુનાહિત ટોળકીના વધુ એક સભ્યને નવી દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો છે.મળતી માહિતી મુજબ નવી દિલ્હી ખાતે આવેલી ટ્રેડ ફન્ડામેન્ટલ પ્રા. લિ. અને જી.બી.એફ.એસ. વીંગ્સ પ્રા. લિ. નામની કંપનીઓ ઓનલાઈન વેબસાઈટ પર વેપારીઓને તેમનો માલ વિદેશમાં નિકાસ કરાવવાની લલચામણી સ્કીમો મૂકીને તેમની સાથે આર્થિક છેતરપિંડી આચરતી હતી.મોરબીના દેવેન્દ્રભાઈ દેત્રોજા (એવીયર ઇમ્પેક્ષ) કોકોપીટનું પ્રોડક્શન કરતા હોય અને વિદેશમાં વેપાર કરવા માટે ગુગલ સર્ચ દ્વારા આ કંપનીઓના સંપર્કમાં આવ્યા હતા. આ કંપનીઓએ તેમને હોંગકોંગની ACES TRADING કંપની સાથે ડીલ કરાવી આપવાના બહાને વર્ષ 2023 થી 2025 દરમિયાન અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 1,72,88,400 નું ટ્રાન્ઝેક્શન કરાવી છેતરપિંડી આચરી હતી. આ રકમ પડાવી લીધા બાદ વેપારીને વિદેશમાં કોઈ વેપાર કરાવ્યો ન હતો.મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી, પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. વસાવાએ તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ માહિતીના આધારે દિલ્હી ખાતે તપાસ કરતા, પોલીસે મુખ્ય આરોપીના પિતાના બેંક ખાતામાં ફ્રોડથી મેળવેલા નાણાં વાપરનાર આરોપી જયકીશન ભાનારામ સિંગલા (ઉ.વ. 52, રહે ન્યુ દિલ્હી)ની ધરપકડ કરીને તેને મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન લાવીને બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે અને ગુનાના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.