મોરબી : તારીખ 4 જાન્યુઆરી ને શનિવારના રોજ મોરબીના પંચમુખી હનુમાનજીના મંદિરે મોરબી જિલ્લા પેન્શનર સમાજની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. પ્રમુખ જીવણભાઈ ડાંગરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ વાર્ષિક સાધારમ સભામાં 750 જેટલા પેન્શનરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.વાર્ષિક સાધારણ સભામાં મુખ્ય મહેમાન તરીકે જોધપર નદી સ્થિત સરસ્વતી નિકેતન આશ્રમના સંત ભાણદેવજી મહારાજ પધાર્યા હતા. તેમજ નકલંકધામ બગથળાના સંત દામજી ભગતના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત પેન્શનર મહામંડળના હોદ્દેદારો જે.જે. દરજી (મહામંત્રી) અને દિક્ષિતજી (સંગઠન મંત્રી)એ વહીવટી માહિતી તેમજ પેન્શનરોને મળતી સવલતો તેમજ ભવિષ્યની માગણીઓ વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત જિલ્લા તિજોરી અધિકારી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પરાબજાર, મોરબીના ચીફ મેનેજર રવિકુમાર અને હોદ્દેદારો, જામનગર જિલ્લાના પ્રમુખ, ધ્રોલના હોદ્દેદારો, મોરબી જિલ્લાના તાલુકાના પ્રમુખો, ઉપપ્રમુખો તેમજ હોદ્દેદારોએ હાજરી આપી હતી. હસુભાઈ પંડ્યાએ કાર્યક્રમનું સુચારું સંચાલન કર્યું હતું. તેમજ કારોબારી સમિતિના તમામ સભ્યોએ સમગ્ર કાર્યક્રમમાં ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે સૌએ સાથે ભોજન લીધું હતું.