મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છુટા થઈને આવેલા શિક્ષકોને હાજર કરતા ન હોય શિક્ષકોની ઉંઘ હરામ મોરબી : મોરબી જિલ્લામાં ઓનલાઇન બદલી થયેલા ગણિત-વિજ્ઞાનના શિક્ષકોને છુટા થયા બાદ હાજર કરાતા ન હોય સાથે-સાથે છુટા પણ કરવામાં આવતા ન હોય શિક્ષકોની ઊંઘ હરામ થઇ જવા પામી છે. તાજેતરમાં તારીખ 18 અને 19 માર્ચ 2021 ના રોજ ઓનલાઈન બદલી મુજબના હુકમો નીકળેલા હોય, એમને દિવસ સાતમા છુટા થઈ અને બદલીવાળી જગ્યાએ હાજર થવાની સૂચના હોય, હાજર થવા માટે સિનિયોરિટી મહત્વની હોય શિક્ષકોને બદલી વાળી જગ્યાએ હાજર થવાની ઉતાવળ હોય વહેલી તકે હાજર થવા માટે પ્રયત્નશીલ હોય છે પણ મોરબીજિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીએ એવી સૂચના આપેલ છે કે ગણિત - વિજ્ઞાન શિક્ષકોને એમની જગ્યાએ નવા ન આવે ત્યાં સુધી છુટા કરવા નહિ. બીજી તરફ રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા વગેરે જીલ્લાઓમાં આવી કોઈ સૂચના ન હોય શિક્ષકો છુટા થઈને બદલી વાળા સ્થળે હાજર પણ થઈ ગયા છે, અને મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં જુદું - જુદું અર્થઘટન થયેલું જોવા મળે છે. અમુક તાલુકામાં ગણિત વિજ્ઞાન શિક્ષકોને તા.19.03.2021 ના રોજ આવા શિક્ષકોને છુટા કરી દીધા છે. જ્યારે અમુક તાલુકામાંથી હજુ સુધી છુટા કર્યા નથી. જ્યારે અન્ય તાલુકામાંથી છુટા થઈને મોરબી તાલુકામાં આવેલને હાજર કરતા નથી. સામાન્ય રીતે જેતે શાળામાંથી છુટા થઈને બદલી વાળી શાળાએ જ હાજર થવાનું હોય છે. તાલુકામાં હાજર થવાનું હોતું નથી. આમ મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં પણ એક સૂત્રતા ન હોય શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ જો ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષકોને હાલ છુટા ન કરે તો એક શાળામાં ભાષા કે સામાજીક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન એમ બે શિક્ષકોની એક સાથે બદલીના હુકમો થયા હોય તો અન્ય વિષયના જુનિયર શિક્ષક બદલી વાળી જગ્યાએ હાજર થઈ જાય અને ગણિત વિજ્ઞાન વિષયનો સિનિયર શિક્ષક છૂટા ન થઈ શકે. વળી, હમણાં જ ધો.1 થી 5 અને ધો.6 થી 8 ના અલગ અલગ એકમ ગણી શિક્ષકોનું મહેકમ નક્કી કરેલ છે તો બદલી અને છુટા કરવામાં પણ અલગ અલગ એકમ ગણવાના બદલે સળંગ એકમ ગણવાની સુચના આપવામાં આવેલ હોય બદલીનો હુકમ હાથમાં લઈ છુટા થવા માટે ગણિત વિજ્ઞાન શિક્ષકો ઓફિસોના ધક્કા ખાઈ હેરાન પરેશાન થઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે.