મોરબી : ચૂંટણી પૂર્વે આરોગ્ય વિભાગના ૪૦ હજાર આશા વર્કર અને ફેસીલીએટરોના ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો જે અંગે પરિપત્ર પણ જારી કરાયો હતો. પરંતુ આ વધારો ચુકવવામાં ન આવ્યો હોય સંગઠન મારફત જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યુ હતું. ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા આવેદનમાં જણાવાયું હતું કે ગુજરાતનાં આરોગ્ય વિભાગમાં, છેક છેવાડામાં આરોગ્યની સેવા બજાવતી અને કારોનાંમાં જીવના જોખમે શ્રેષ્ઠ કામગીરી બજાવતી એવી આશા વકરો અને ફેસીલીએટર બહેનો કે જેની વડાપ્રધાનએ પણ પ્રસંશા કરેલ, આ બહેનોની માંગણીઓ પ્રત્યે સરકારે હકારાત્મક વલણ દાખવી ૧ લી ઓકટોમ્બર ૨૦૨૨ થી આશા વર્કરના મહેનતાણામાં રૂા.૨૫૦૦ અને ફેસીલીએટર બહેનોનાં મહેનતાણામાં રૂા. ૨૦૦૦ રાજય સરકાર તરફથી વધારો જાહેર કરેલ હતો. આ સાથે વર્ષમાં બે સાડી ડ્રેસ આપવાની જાહેરાત કરી હતી. તે અંગેનાં પરિપત્રો (જી.આર) સપ્ટે. ૨૦૨૨માં કરાયા છે. છતાં આજરોજ તારીખ સુધીમાં સરકારે જાહેર કર્યા મુજબનો વધારો ચૂકવાયો નથી. તા : ૧૩/૧/૨૦૨૩ ના રોજ આરોગ્ય કમિશ્નર કચેરી દ્વારા ચુકવવાની પ્રક્રિયા બાબતે જવાબ પાઠવવામાં આવેલ પરંતુ કોઈજ વધારો ચૂકવાયો નથી. તો આ બાબતે તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.