મોરબી : રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનું ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે. જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં 9 મેથી 12 જૂન એટલે કે 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. 13 જૂનથી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે. આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંકલનમાં રહીને વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. જેથી પ્રાથમિક/માધ્યમિક બંને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક જ સરખી રહી શકે. જિલ્લા શિક્ષણાધિકારીઓએ આ પત્રની જાણ સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજો તેમજ આપના તાબા હેઠળની તમામ શાળાઓને કરવાની રહેશે. તેવો શિક્ષણ વિભાગે આદેશ જાહેર કર્યો છે.