સ્વયંસેવકોને આવવા જવામાં તંત્રવાહકોના જડ વલણના લીધે તકલીફો પડતી હોવાથી સેવાયજ્ઞ પડતો મુકાયો : જરૂરિયાતમંદોના લાભાર્થે ચાલતો આ સેવાયજ્ઞ ફરી ધમધમતો થાય તે જરૂરી વાંકાનેર : વાંકાનેર શહેરમાં કોરોના વાયરસની મહામારીના સમયે કોઈ ભૂખ્યું ના રહે તે માટે અન્ન સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં વાંકાનેર નગરપાલિકા, વાંકાનેર શહેર ભાજપ તેમજ ગણેશ ઉત્સવ સમિતિ દ્રારા અન્નપૂર્ણા રથ મારફતે શહેરના સાત વોર્ડના ૨૦,૦૦૦ જેટલા પ્રજાજનો માટે બુંદી, ગાંઠીયા તથા બટાકાના શાકનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. આ સેવા કાર્યમાં દરરોજ ૨૦૦૦ કિલો બુંદી, ૧૫૦૦ કિલો ગાંઠીયા તથા ૨૦૦૦ કિલો બટેટાનું શાક બનાવી વાંકાનેર પાલિકાના તમામ સાત વોર્ડમાં લોકડાઉન દરમ્યાન ૨૫ ઓટો રિક્ષા દ્વારા ઘરે ઘરે જમવાનું પહોંચાડવામાં આવી રહ્યું હતું જે અન્નપુર્ણા રથ આજે અચાનક બંધ કરી દેવામાં આવતાં શહેરી વિસ્તારમાં રહેતાં અને આ ભોજનનો લાભ લેતા લાભાર્થીઓ આજે ભૂખ્યા રહ્યાં હતાં અને પોતાના સંતાનોને ભૂખ્યા જોય તેઓનો રોષ તંત્ર પર કાઢતા જોવા મળ્યા હતાં. જે અંગે વાંકાનેરના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સાથે વાત કરતાં તેઓએ જણાવેલ કે દરરોજ અઢાર થી વીસ હજાર લોકોને જમવાનું પહોંચાડવા માટે મોટા પ્રમાણમાં સ્વયંસેવકોની જરૂરિયાત ઊભી થાય છે જેનું આયોજન અમે કરેલ હતું પરંતુ વિતરણ વ્યવસ્થામાં હાલના લોકડાઉનના નિયમોને કારણે લોકો ભોજન લેવા આવતી વખતે નિયમોનો ચુસ્તપણે અમલ કરતાં ન હોય સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોય માટે ભોજનાલય બંધ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં રહેતાં દરેક લોકોના ઘર સુધી ભોજન પહોંચે તે માટેની અમોએ વ્યવસ્થા કરેલ હતી અને લોકડાઉન દરમિયાન પ્રજા ભુખી ન સુવે એ માટે અમો સતત પ્રયત્નશીલ હતાં પરંતુ સાથોસાથ લોકડાઉનના નિયમોનો ભંગ ન થાય તેની પણ કાળજી લેવી જરૂરી હતી માટે આ નિર્ણય અમારે લેવો પડ્યો છે. જોકે આ ભોજનાલય બંધ કરવા પાછળ અંગત આધારભૂત સૂત્રોના જણાવ્યાં મુજબ જ્યારે ભોજનાલયમાંથી ૨૫ રીક્ષાઓ દ્વારા ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ત્રણ લોકો રિક્ષામાં સાથે જતાં હતાં અને ભોજન વિતરણ સંભાળતા હતાં જેને પોલીસ તંત્ર દ્વારા ઓછા વ્યક્તિઓને રિક્ષામાં સાથે મોકલવાનું કહેવામાં આવેલ ઉપરાંત જરૂરિયાતનો માલ સામાન લેવા મુકવા માટે પણ મોટા ભાગના સ્વયંસેવકો પોતાના બાઈક પર આવન જાવન કરી રહ્યા હોય જેને પણ વાંકાનેર શહેર પોલીસ દ્વારા લોકડાઉનના સખત નિયમોનું પાલન કરવા જણાવેલ હોય જે અંગે ગઈકાલે આરોગ્યનગર ચોક ખાતે પોલીસ અને ભોજનાલય સંચાલકો વચ્ચે ઉગ્ર ચર્ચા થયા બાદ આ ભોજનાલય બંધ કરવાનો નિર્ણય કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારણ કોઈ પણ હોય પરંતુ અંતે તો વાંકાનેરની જનતાને ભોગવવાનો વારો આવ્યો છે લોકડાઉનમાં આજ સુધી દરરોજ બપોરે ભોજન બનાવવાની ચિંતા વગર લોકોને સ્વાદિષ્ટ ભોજન મળી રહ્યું હતું જે વાંકાનેરના સરકારી તંત્ર વચ્ચેના સંકલનના અભાવે એકબીજા તંત્રો આમને સામને આવી જતાં વાંકાનેર શહેરની જનતા આજે ભોજનની આસમાં ભૂખી જોવા મળી હતી અને તંત્ર પર ફિટકાર વરસાવતી જોવા મળી રહી હતી. હવે તો મોરબી જિલ્લાનું વહીવટી તંત્ર આ બાબતે યોગ્ય નિર્ણય કરી વાંકાનેરની જનતાને ફરી પાછું દરરોજ ભોજન મળી રહે તે માટેનું આયોજન કરે તેવી લોકો અપેક્ષા સેવી રહ્યા છે.