મોરબી: શહેરમાં દિન-પ્રતિદિન વધતી જતી રખડતા પશુઓની સમસ્યા અને તેના કારણે સર્જાતા ટ્રાફિક જામ તેમજ અકસ્માતો નિવારવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકાના ANCD વિભાગ દ્વારા શહેરમાં પશુ માલિકો માટે 'એનિમલ હોસ્ટેલ' બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.મળતી વિગત મુજબ, મોરબી મહાનગરપાલિકાના ANCD વિભાગ દ્વારા માર્ચ 2025 થી રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ સતત ચલાવવામાં આવી રહી છે. જોકે, અનેક કિસ્સાઓમાં પશુ માલિકો પાસે પૂરતી જગ્યા ન હોવાને કારણે ગાય, ભેંસ અને બકરી જેવા પાલતુ પશુઓ રોડ પર આવી જતા હોય છે. જેના કારણે શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ કાયમી સમસ્યાના ઉકેલ રૂપે પાલિકા દ્વારા હવે નાની વાવડી અને સબ જેલ પાસે ખાસ એનિમલ હોસ્ટેલ બનાવવાનું આયોજન કરાયું છે.પશુ માલિકો પોતાના પશુઓ અહીં રાખી શકશેઆ એનિમલ હોસ્ટેલમાં પશુ માલિકો પોતાના પશુઓની સાચવણી અને જાળવણી કરી શકશે. જે પશુ માલિકો પાસે પશુ રાખવાની સગવડ નથી, તેઓ અહીં રજિસ્ટ્રેશન કરાવીને પશુઓ રાખી શકશે. આ હોસ્ટેલ શરૂ થયા બાદ રજિસ્ટ્રેશન ફી અને તેના નિયમો અંગેની વિગતો પાલિકા દ્વારા જાહેર કરવામાં આવશે.હાલમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા હદ વિસ્તારમાં આવતા તમામ પશુ માલિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ વહેલી તકે પોતાના પશુઓનું રજિસ્ટ્રેશન કરાવી લે, જેથી આગામી સમયમાં રખડતા પશુઓની સમસ્યા પર લગામ લગાવી શકાય.#Morbi #MorbiUpdate #AnimalHostel #MorbiNagarpalika #ANCD #CattleControl #MorbiNews #GujaratNews