આવારા તત્વએ મહંત રામકિશોરદાસજી મહારાજની મૂર્તિનો અંગુઠો પણ કાપી નાખ્યો : પોલીસ ફરિયાદ વાંકાનેર : વાંકાનેરમાં એક શખ્સે જલારામ જયંતીના એક દિવસ પૂર્વે જ પૂ. જલારામ બાપાની મૂર્તિનો હાથ કાપી નાખતા ભાવિકો રોષે ભરાયા છે. જો કે મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. વાંકાનેરમાં વડેશ્વર મહાદેવ મંદિરમાં આવેલ પરમ પૂજ્ય સંત જલારામ બાપાના મંદિરમાં આજે સવારે જલારામ બાપાની મૂર્તિનો ડાબો હાથ આરોપી પ્રકાશ વાઢેર નામના શખ્સે કાપી નાંખતા ભાવિકોમાં રોષની લાગણી ફેલાઇ છે. આ શખ્સે જલારામ બાપાની મૂર્તિની સાથોસાથ મહંત રામકિશોરદાસજી મહારાજની મૂર્તિનો અંગુઠો પણ કાપી નાખ્યો હતો. એક મંદિરમાં એકી સાથે બબ્બે મૂર્તિને ખંડિત કરતાં ભાવિકોમાં રોષ ફેલાયો હતો અને આ અંગે ધાર્મિક લાગણી દુભાવનાર આરોપી વિરુદ્ધ ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિ એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં પોલીસે આરોપી વિરુદ્ધ કલમ ૨૯૫ અને ૪૨૭ મુજબ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરેલ છે.