બ્રાહ્મણી 2 ડેમને ભરતી મુખ્ય કેનાલ પ્રદૂષિત થવાથી લોકોના આરોગ્ય પર અસર પડવાની ભીતિહળવદ : હળવદ શહેરમાંથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલમાં નગરપાલિકા તંત્ર દ્વારા ગટરનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું હોવાની ગંભીર બેદરકારી સામે આવી છે. હાલના તબક્કે આ ધ્રાંગધ્રા બ્રાંચની કેનાલ બંધ છે, છતાં તંત્ર દ્વારા તેમાં ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. આ મામલે ચીફ ઓફિસરનો ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેઓનો સંપર્ક થઈ શક્યો નથી.40 ગામો અને હળવદના લોકોના પીવાના પાણી પર સંકટમહત્વનું છે કે, આ કેનાલ મારફત બ્રાહ્મણી 2 ડેમ ભરવામાં આવે છે. આ જ કેનાલ અને ડેમ આધારિત પાણી હળવદ શહેરના નાગરિકો તેમજ આસપાસના 40 જેટલા ગામડાઓને પીવા માટે પૂરું પાડવામાં આવે છે. હાલમાં કેનાલ બંધ હોવાથી તેની સાફ-સફાઈ કરવાની કામગીરી કરવાની જરૂર હતી, તેના બદલે નગરપાલિકા તંત્ર દ્વારા હળવદ શહેરનું ગટરનું તમામ ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આ કેનાલમાં છોડી દેવામાં આવ્યું છે.કેનાલ શરૂ થતા જ રોગચાળો ફાટી નીકળવાની દહેશતસ્થાનિકોમાં ચર્ચા છે કે અત્યારે કેનાલ બંધ હોવાથી તેમાં ગટરનું પાણી એકઠું થઈ રહ્યું છે. પરંતુ આગામી સમયમાં જ્યારે કેનાલ ફરી શરૂ કરવામાં આવશે, ત્યારે આ જ ગંદુ અને પ્રદૂષિત પાણી આગળ જશે. આ દૂષિત પાણી જ પાછું હળવદના લોકોને અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવા માટે અપાશે, જેના કારણે મોટા પાયે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. તંત્રની આ ઘોર બેદરકારી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.#Morbi #Halvad #NarmadaCanal #WaterPollution #HalvadNagarpalika #MorbiUpdate