રેવન્યુ વકીલોએ કલેકટરને આવેદન આપી અશાંતધારા હેઠળના વિસ્તાર તેમજ સર્વ નંબર અને 500 મીટરની ત્રીજીયામાં આવતા વિસ્તારોની સ્પષ્ટતા કરવા માંગ કરી મોરબી : મોરબીમાં અશાંતધારો લાગુ થતા અશાંતધારા હેઠળના વિસ્તાર અને આજુબાજુના 500 મીટરની ત્રીજીયામાં દસ્તાવેજ ન થવાના હુકમને કારણે મોટાભાગના દસ્તાવેજની કામગીરી બંધ થતાં વકીલો રોષે ભરાયા છે અને આ બાબતે દસ્તાવેજની કામગીરી કરતા વકીલોએ વિરોધ નોંધાવી કલેકટરને આવેદન આપી અશાંતધારા હેઠળના વિસ્તાર તેમજ સર્વ નંબર અને 500 મીટરની ત્રીજીયામાં આવતા વિસ્તારોની સ્પષ્ટતા કરવા માંગ કરી છે. મોરબી રેવન્યુ બાર પ્રેક્ટિશનર એસો. ના નેજા હેઠળ રેવન્યુ વકીલોએ આજે આ બાબતે કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, હાલ સરકાર દ્વારા મોરબીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જેમાં અશાંતધારા હેઠળના વિસ્તાર તેમજ આજુબાજુના 500 મીટરની ત્રીજીયામાં દસ્તાવેજ થઈ શકશે નહીં તેવા હુકમને કારણે દસ્તાવેજની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. જો કે આ 500 મીટરની ત્રીજીયામાં કેટલો વિસ્તાર તેમજ સર્વ નંબર આવે એની કોઈ સ્પષ્ટતા કરી ન હોવાથી આ બાબતે વિસંગતતા ઉભી થઇ છે.500 મીટરની ત્રીજીયામાં તો મોરબીનો મોટાભાગનો વિસ્તાર આવી જતો હોય દસ્તાવેજની કામગીરી ન થવાથી લોકો અને વકીલોને હાલાકી ભોગવવી પડે છે. નોંધનીય છે કે, 500 મીટર ત્રીજીયામાં દસ્તાવેજ નહિ થઈ શકવાના હુકમથી 90 ટકા દસ્તાવેજની કામગીરી બંધ થઈ છે અને માત્ર 10 ટકા જ કામગીરી ચાલુ રહેતી હોય લોકોને દસ્તાવેજ માટે ભારે હાલાકી ભોગવવી પડતી હોવાથી 500 મીટર ત્રીજીયામાં કેટલો વિસ્તાર આવે છે અને કેટલો સર્વે નબર આવે છે તેની સ્પષ્ટતા કરવાની માંગ કરી છે. જેથી દસ્તાવેજની કામગીરી પાટે ચડે તેવી વ્યવસ્થા ગોઠવવા વકીલો દ્વારા માંગ ઉઠાવવામાં આવી હતી.