મોરબીમાં કોર્ટની મુદતે આવેલા વેપારીનું પાંચ શખ્સો હોટેલ પાસેથી અપહરણ કરીને માર મારી બેંકના ચેકમાં સહી કરાવી ધમકી આપીને છોડી મુક્યો મોરબી : આંધ્રપ્રદેશના વેપારી સીરામીકના બાકી નાણાનો ચેક બાઉન્સ થવાના મોરબીની કોર્ટમાં ચાલતા કેસની મુદતમાં હાજરી આપવા મોરબી આવ્યા હતા. ત્યારે પાંચ શખ્સોએ તેમનું કારમાં અપહરણ કરીને બે સ્થળે લઈ જઈને માર માર્યો હતો. તેમજ તેમની પાસેથી એમાઉન્ટ લખ્યા વગર સહી કરાવીને બેકના ચેકો પડાવી લઈને આ વેપારીને છોડી મુક્યો હતો.આથી વેપારીએ આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આંધ્રપ્રદેશ રહેતા વેપારી નાગા શીવશંકર ગ્રુપતાએ મોરબીના તાલુકા પોલીસ મથકે મોરબીના રૂપેશ કાંતિલાલ પનારા, તેજશ કાંતિલાલ પનારા, વિપુલ, જગો અને એક અજાણ્યા શખ્સ સામે સીરામીકના બાકીના નાણાંની ઉઘરાણી માટે અપહરણ કરી માર મારીને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મોરબીના સીરામીકમાંથી માલ લઈને ચૂકવવાના થતા રૂપિયા મામલે આપેલો ચેક બાઉન્સ થતા આ અંગેનો કોર્ટમાં કેસ ચાલતો હોવાથી મોરબી કોર્ટમાં તેની મુદત હોવાથી ગત તા. 19ના રોજ રાત્રીના સમયે મોરબીના લાલપર ગામ પાસે આવેલ રવિ રેસીડેન્સીમાં આ ફરિયાદી વેપારી આવ્યા હતા અને તે સમયે આરોપીઓ કારમાં આવીને બાકીના નાણાંની ઉઘરાણીમાં મધ્યસ્થ રહેલા આ વેપારીનું કારમાં જ અપહરણ કરી ગયા હતા. આ આરોપીઓ ત્યાંથી અપહરણ કરી રફાળેશ્વર નજીક ગોડાઉનમાં લઇ જઇને વેપારીને માર માર્યો હતો. બાદમાં આરોપીઓએ વેપારીને ટંકારા નજીક આવેલ એક જીનીગ ફેકટરીમાં લઇ જઇને માર માર્યો હતો અને જ્યાં વેપારીને જેની વચ્ચે પડ્યો જેના રૂપિયા બાકી છે જો એ લોકો રૂપિયા નહી આપે તો તારે આપવા પડશે તેમ કહી તેમની પાસે રહેલી આઈસીસી બેંક અને એક્સીસ બેંકની ચેક બુકમાંથી ચેકોમાં એમાઉન્ટ લખ્યા વગર તેમની સહી કરાવીને ચેક પડાવી લીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી વેપારીને મોરબી નજીક છોડી મૂકીને આરોપીઓ નાસી છૂટ્યા હતા. આ બાબતે વેપારીએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.