રેલવેના પાટા ક્રોસ કરતી વખતે કરુણ ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ મોરબી : મોરબીના નઝરબાગ રેલવે સ્ટેશન નજીક આજે સવારે ધસમસતી આવતી ડેમુ ટ્રેન હેઠળ એક અજાણી યુવતીનું કપાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જો કે, રેલવેના પાટા ક્રોસ કરતી વખતે કરુણ ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ દર્શાવાય રહ્યું છે. આ કરુણ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ નઝરબાગ રેલવે સ્ટેશન નજીક આજે સવારે 10 વાગ્યાની આસપાસ વાંકાનેરથી મોરબી તરફ ધસમસતી આવતી ડેમુ ટ્રેન હેઠળ અજાણી આશરે 18થી 20 વર્ષની યુવતીનું કપાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા છે. જો કે હજુ સુધી મૃતકની ઓળખ મળી નથી. પણ પ્રાથમિક અનુમાન મુજબ આ મૃતક યુવતી રેલવેના પાટા ક્રોસ કરતી વખતે ટ્રેનની હડફેટે ચડી ગઈ હતી. આ બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસે મૃતક યુવતીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી તેમજ મૃતકની ઓળખ મેળવવા સઘન તપાસ હાથ ધરી છે.