વર્ષ 1985 થી 1987 બેચના વિદ્યાર્થીઓએ બાળપણની યાદો તાજી કરી: મહાપ્રસાદ લઈ જેતપરમાં ચાલતા ખેડૂત આંદોલનને આપ્યું સમર્થનમોરબી અપડેટ : મોરબી તાલુકાની જેતપર હાઈસ્કૂલ ખાતે વર્ષ 1985 થી 1987 (SSC) દરમિયાન 3 વર્ષ સાથે રહીને અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓનું 40 વર્ષ બાદ ભવ્ય અને ભાવુક સ્નેહ મિલન યોજાયું હતું. જેતપર, શાપર, જસમતગઢ, ચકમપર, અણિયાળી, રાપર, વાઘપર, પીલુડી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવીને જેતપર રહી અભ્યાસ કરતા જૂના મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી એકત્ર થયા હતા. આ તમામ ‘જૂના જોગી’ઓનું સ્નેહ મિલન જેતપર નજીક આવેલા રોકડીયા હનુમાન મંદિર ખાતે યોજાયું હતું.40 વર્ષના લાંબા અંતરાલ બાદ પ્રથમ વખત મળેલા સહાધ્યાયીઓએ પોતાની કિશોરાવસ્થાના સંસ્મરણો, શાળા સમયના તોફાનો તેમજ તે સમયના સાહેબોના પડેલા મારની યાદો વાગોળીને માહોલ જીવંત બનાવ્યો હતો. મિત્રોએ એકબીજાના પરિવાર અને વર્તમાન વ્યવસાય-ધંધાની વિગતો મેળવીને પારિવારિક સંબંધો વધુ મજબૂત બનાવવાની તેમજ કૃષ્ણ-સુદામા જેવી નિસ્વાર્થ મૈત્રી નિભાવવાની નેમ લીધી હતી. આ સાથે જ આવતા વર્ષે સમગ્ર પરિવાર સાથે સ્નેહ મિલનનું આયોજન કરવાનું સર્વાનુમતે નક્કી કરાયું હતું.કાર્યક્રમ દરમિયાન સૌ મિત્રોએ સાથે મળીને મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. ત્યારબાદ તમામ મિત્રોએ જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં પહોંચીને આંદોલનને પોતાનું જાહેર સમર્થન જાહેર કર્યું હતું. નિવૃત્ત જીવન આનંદ અને સંતોષથી વિતાવવા માટે જૂના સાચા મિત્રો જ શ્રેષ્ઠ સથવારો બને છે તેવો સુંદર સંદેશ આ મિલન થકી ઉજાગર થયો હતો.#Morbi #MorbiUpdate #JetparHighSchool #SchoolReunion #OldFriends #FarmersProtest #Jetpar #MorbiNews #GujaratNews