મચ્છુ-3 ડેમના પુલ ઉપર રોડ વચ્ચે રેતીના ઢગલાથી ટ્રાફિકને અસર મોરબી : મોરબીમાં રેત અને ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, નંબરપ્લેટ વગરના વાહનોમાં ઓવરલોડ પરિવહન કરવાની સાથે જ જયારે-જયારે ખાણખનીજ વિભાગ ચેકિંગમાં નીકળે ત્યારે રોડ ઉપર જ માટી, કોન્ક્રીટ અને રરેતીના ઢગલા કરી નાસી જતા ડમ્પર ચાલકોએ ગઈકાલે પણ મોડીરાત્રે આવો જ ખેલ કરી બાયપાસ ઉપર મચ્છુ-3ના પુલ ઉપર રેતીનો ઢગલો કરી નાસી જતા અન્ય વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.મોરબી શહેર અને જિલ્લામાં ખનીજ અને રેતી ચોરી કરતા ખનીજમાફિયાઓ બેખૌફ બની પોલીસ, આરટીઓ અને ખાણખનીજ વિભાગની સાડીબાર રાખ્યા વગર જ નંબરપ્લેટ વગરના વાહનોમાં તાલપત્રી કે અન્ય આવરણ રાખ્યા વગર જ સતત દોડતા રહે છે અને જયારે-જયારે ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ કે સ્થાનિક ટીમ ચેકિંગમાં નીકળે ત્યારે નેશનલ હાઇવે ઉપર કે અન્ય જગ્યાએ રેતી-ખનીજ ઠાલવીને નાસી જતા હોય છે જેમાં ગઈકાલે મોરબી-કંડલા બાયપાસ ઉપર મચ્છુ-3 ડેમ નજીક જુના આરટીઓ પાસે આવા જ એક ડમ્પર ચાલકે રેતી રોડની વચ્ચે ઠાલવી દેતા ટ્રાફિક શાખાએ આ રેતી ઉપડાવી રસ્તો ક્લિયર કરાવ્યો હતો.