રક્ષણાત્મક દીવાલ વગર ખુલ્લો કૂવો કોઈનો ભોગ લે તે પહેલાં યોગ્ય કાર્યવાહીની માંગ માળીયા (મી.) : માળીયા તાલુકાનાં તરઘડી ગામથી નાનાભેલા ગામ જવાના રોડ ઉપર તરઘડી ગામ પછી સ્મશાન પાસે વળાંક ઉપર ડામર રોડથી માત્ર બે મીટરના અંતરે કોઈ પણ આડશ કે રક્ષણાત્મક દીવાલ વગરનો એક ખુલ્લો કૂવો મોતનો કૂવો બની જવાની દહેશત ઉભી થઇ છે. આથી, આ રક્ષણાત્મક દીવાલ વગર ખુલ્લો કૂવો કોઈનો ભોગ લે તે પહેલાં યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી છે. તરઘડી ગામથી નાનાભેલા ગામ જવા માટે તાજેતરમાં નવો ડામર રોડ બન્યો છે. અગાઉ આ રોડ કાચો હતો. મોટર સાઇકલ લઇને પણ જઈ શકાય એમ ન હતુ. તેથી, તરઘડી ગામથી આગળ જવા માટે લોકોને હાલાકી ભોગવવી પડતી હતી. પણ તાજેતરમાં આ રોડ નવો બનતા થોડી રાહત થઈ છે. જ્યારે સરવડથી મોટાભેલા અને ભાવપર જવાનો રોડ ખરાબ હોવાથી નાનાભેલા જવાના આ નવા રોડથી બન્ને ગામનાં ઘણાં લોકો પસાર થાય છે. છેલ્લાં બે મહિનાથી ચાલુ થયેલા આ રોડ ઉપર તરઘડી પછી તરત વળાંક પાસે જ બે મીટરના અંતરે આવેલો વાહનચાલકનાં ધ્યાનમાં ના આવે એવો એક ખુલ્લો કૂવો કોઈ મોટો અકસ્માત સર્જે એ પહેલાં તંત્રએ આ કુવાને ફરતે દૂરથી જોઈ શકાય એવી ઉંચી રક્ષણાત્મક દીવાલ બનાવવા આદેશ આપી કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.