માળીયા (મી.) : માળીયા-કચ્છ નેશનલ હાઇવે પર ટ્રક હડફેટે રાહદારી વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ગત તા. 12ના રોજ બપોરના સાડા ચારેક વાગ્યે માળીયા-કચ્છ નેશનલ હાઇવે પર વિશાલા હોટલની સામે કન્ટેરચાલકે ટ્રક પુરઝડપે અને બેફિકરાઈથી ગફલત ભરી રીતે ચલાવી રાહદારી ફાતમાબેન ઉમરભાઇ મોવર (ઉ.વ. 60) રોડ ક્રોસ કરવા જતા હતા, ત્યારે તેમને હડફેટે લઇ પાડી દીધા હતા. આથી, ફાતમાબેનને પગમાં તથા માથામાં ગંભીર ઇજા થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર સલીમભાઇએ માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. જેના આધારે પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો છે.