મોરબી ભક્તિનગર, ટંકારા અને મીતાણા ઓવરબ્રીજમાં સ્લરી હટાવવા આદેશ મોરબી : મોરબી બાયપાસ ઉપર નવલખી રેલવે ફાટક પાસે બનાવવામાં આવેલ ઓવરબ્રીજમાંથી પોપડા ખરવા મામલે મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ માર્ગ અને મકાન વિભાગ દોડતો થયો છે અને હાલમાં બ્રિજમાં કોઈ ખામી ન હોવાનું જાહેર કરી પુલના જોઈન્ટ વચ્ચે મુકવામાં આવેલ થર્મોકોલમાં જામેલ સિમેન્ટ સ્લરીના આ પોપડા હોવાનું બહાર આવતા ન માત્ર નવલખી રોડ બલ્કે મોરબી ભક્તિનગર, ટંકારા અને મીતાણા ઓવરબ્રીજમાં સ્લરી હટાવવા આદેશ કરાયો છે. મોરબી બાયપાસ ઉપર નવલખી રોડ ઉપર આવેલ ઓવરબ્રીજમાંથી આજે સિમેન્ટના પોપડા ખરવા મામલે મોરબી અપડેટમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ માર્ગ અને મકાન વિભાગ રાજકોટના ડેપ્યુટી ઈજનેર બાસીડા દ્વારા ટીમોને દોડાવવામાં આવી હતી અને સ્થાનિક જગ્યાએ તપાસ કરતા ઓવરબ્રિજના બે જોઈન્ટ વચ્ચે થર્મોકોલ સીટ નાખીને સિમેન્ટ ભરવા સમયે સિમેન્ટ સ્લરી નીતરીને પુલ નીચે ઉતર્યા બાદ આ સ્લરીના અવશેષૉ ખરી પડ્યાનું સામે આવ્યું છે. જો કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાઇવે ઉપરના ઓવરબ્રીજમાંથી સ્લરીના અવશેષ નીચે ખરી પડવા બાબતે અતિ ગંભીર નોંધ લીધી છે અને ન માત્ર મોરબી નવલખી રોડ બલ્કે મોરબી ભક્તિનગર, ટંકારા અને મીતાણા ઓવરબ્રીજમાં સ્લરી હટાવવા આદેશ કરાયો હોવાનું માર્ગ અને મકાન વિભાગના અધિકારી બસીડાએ જણાવ્યું હતું.