કુખ્યાત સોનકી અને તેના સાગરીતને પકડી પાડતી તાલુકા પોલીસમોરબી : મોરબી - માળીયા મિયાણા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટિયા પાસેથી તાલુકા પોલીસે વોચ ગોઠવી દેશી દારૂનો જંગી જથ્થો ભરીને નીકળેલી ઇનોવા કારને ઝડપી લઈ કુખ્યાત મહિલા બુટલેગર સોનકી સહિત ને શખ્સને પકડી પાડી કુલ રૂપિયા 4 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે ટીંબડી ગામના પાટિયા પાસે વોચ ગોઠવી જીજે - 12 - એએન - 5691 નંબરની ઇનોવા કારને અટકાવી તલાશી લેતા કારમાં બેઠેલા આરોપી ઇસ્લામુદિન અબ્બાસભાઈ જામ રહે.શોભેશ્વર રોડ, મોરબી, મૂળ રહે.માળીયા મિયાણા તેમજ આરોપી સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટિયા રહે.માળીયા વનાળિયા સોસાયટી વાળીના કબ્જામાંથી 500 લીટર દેશી દારૂ મળી આવતા 1 લાખની કિંમતનો દેશી દારૂ તેમજ 3 લાખની ઇનોવા કાર સહિત 4 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. વધુમાં બન્ને આરોપીઓએ દેશી દારૂનો આ જથ્થો માળીયા મિયાણાના મુસ્તાક જામ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.